ગાંધીનગરઃ સરકારે 916 કરોડ રૂપિયા સરપ્લસ બજેટ રજૂ કર્યું છે. જેમાં 2,07,709.88 કરોડ રૂપિયા રેવન્યૂ તરીકે પ્રાપ્ત થશે, જ્યારે 1,98,67.58 કરોડનો ખર્ચો થશે. કનુ દેસાઈએ સતત બીજી વખત બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારને કેપિટલ ઈન્કમ રૂપિયા 85,630.89 કરોડ રૂપિયાની સામે અનુમાનિક ખર્ચો 97.902.6 કરોડ રૂપિયા થવાનો અંદાજો છે. આ કુલ મુડી ખાધ 1,227.72 કરોડ રૂપિયા થવાનો અંદાજો છે. જ્યારે કુલ બજેટ 3.01 લાખ કરોડનું છે. ગુજરાત સરકારના બજેટમાં પ્રજા માટે શું ખાસ છે એ જાણીએ.
મફત અને રાહતઃસરકારે વિકલાંગોને એસટી બસમાં મફત પ્રવાસ આપીને મોટી રાહત આપી છે. આ માટે 52 કરોડની જોગવાઈ કરી છે. બીજી તરફ સરકારે પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. જેનો સીધો ફાયદો પરિવહન અને ગૃહિણીઓને થવાને છે. ગેસને કારણે જે બજેટ ખોરવાતું હતું એ હવે આ બજેટમાં સમતોલ કરી દેવામાં આવ્યું છે. કારણ કે, ગેસ પર લાગુ થતો ટેક્સ 15 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. વર્ષમાં બે વખત ફ્રીમાં ગેસ સિલિન્ડર ભરાવી શકાશે.
આંતરમાળખાનો વિકાસ:ગુજરાત સરકારે મોરબી બ્રીજ દુર્ઘટનામાંથી બોઠપાઠ લઈને 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જૂના બ્રીજને વધારે મજબુત કરવા માટે ખર્ચો કરશે.પાંચ હાઈસ્પીડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેનાથી મહાનગર સાથેની અને પ્રવાસન સ્થળ સાથેની ક્નેક્ટિવિટી વધશે. અમદાવાદમાં બીજા તબકકાના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 18000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઘણા નગરોમાં એરબેઝ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂપિયા 200 કરોડનું બજેટ અપાયું છે. પીએમ ગતિ શક્તિ ફંડ અંતર્ગત તેને આવરી લેવાયું છે. આ સાથે પાંચ હાઈવે તૈયાર કરાશે. સરકાર અમદાવાદ મહેસાણા-પાલનપુર વચ્ચે સિક્સ લેન તૈયાર કરશે. જેના કારણે આ ત્રણેય જિલ્લાઓને ઝડપથી વિકાસ થઈ શકશે. ગ્રામ્ય વિસ્તારમાં વધારે રસ્તાઓ તૈયાર થશે. સરખેજ હાઈવેને સિક્સ લેન કરાશે. અમદાવાદ-બગોદરા હાઈવે પણ સિક્સ લેન થઈ જશે. રૂપિયા 5 લાખ કરોડ રૂપિાય પાંચ વર્ષમાં મેટ્રો બુલેટ ટ્રેનમાં ખર્ચાશે.
પોર્ટ:સરકાર તરફથી બંદર અને વાહન વ્યવહાર માટે 3514 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફંડ અંતર્ગત સરકાર 2000 જેટલી નવી બસ ખરીદશે. જ્યારે ઈલેક્ટ્રિક વ્હીકલની પોલીસી હેઠળ વિકાસ માટે 217 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જામનગર પાસે આવેલું સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવા માટે 24 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આરટીઓમાં સરળતા ઊભી કરવા માટે એમ ગવર્નન્સ શરૂ કરવામાં આવશે.
શહેરી વિકાસ:ગુજરાત સરકારે મહાનગર પાલિકા અને નગરપાલિકાની સુવિધાઓમાં વધારો કરવા માટે 8086 કરોડ ફાળવી દીધા છે. જ્યારે સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થા માટે 3041 કરોડની રકમ બજેટ પેટે નક્કી કરી છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 547 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સુરત પાસે આવેલી તાપીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દેવાયું છે. મહાનગર પાલિકામાં આવતા વિસ્તારમાં આઈકોનિક બ્રિજ માટે 100 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે નેચરલ પાર્ક તૈયાર કરવા માટે 80 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે ફાયર વિભાગમાં સાધનો હેતું 66 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. જ્યારે નવા સિવિક સેન્ટર તૈયાર કરવા માટે 33 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને મુખ્ય કચેરીઓ સુધી ધક્કા હવે નહીં ખાવા પડે. ગિફ્ટ સિટીમાં રીસર્ચ પ્રોજેક્ટ માટે 76 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. પુરાતત્વ તેમજ સંગ્રહાલય વિભાગ માટે 55 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.
પંચાયત: ગુજરાત રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ખાસ પંચાયતને બજેટ ફાળવ્યું છે. ઈગ્રામ યોજના માટે 160 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી નાના-મોટા કામ માટે નજીકના તાલુકા કે જિલ્લા સુધી લંબાવું નહી પડે. જ્યારે સિંચાઈ યોજના માટે 220 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં બાયોગેસ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 200 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
પ્રવાસનઃ દ્વારકામાં એરપોર્ટ તૈયાર થશે, દ્વારકા સિટીનું રી ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે તેમજ વિકાસ માટે ખાસ આયોજન કરાયું છે. પાંચ પ્રવાસન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. દ્વારકાનું કાશીની જેમ નવનિર્માણ થશે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું નવનિર્માણ કરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે અને વેગ મળી રહેશે. ખાસ કરીને કાશી જેવું દ્વારકા બનતા અનેક પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવશે. તીર્થધામ તરીકે વિકાસ થયા બાદ દ્વારકા નગર આખું ડેવલપ થશે. ધોળાવીરા, કડાણા ડેમ, ધરોઈ, નડા બેટ, શિવરાજપુર બેટમાં ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવશે. જે માટે 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે.