ગાંધીનગર : ગુજરાત સરકારે શુક્રવારે 2023-24 ના નાણાકીય વર્ષ માટે રૂપિયા 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં અંદાજપત્રીય જોગવાઈઓમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. બજેટની જાહેરાત કરતાં નાણાંપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડનો ખર્ચ કરશે.
મેટ્રો પ્રોજેક્ટ માટે 905 કરોડ રૂપિયા ફાળવ્યા :નાણાંપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ માટે પણ 905 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઇક્વિટી યોગદાનને આવરી લેવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ પણ આજે રાજ્યના બજેટમાં જાહેર કરવામાં આવી હતી. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આઇકોનિક બ્રિજના નિર્માણ માટે પણ રૂપિયા 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
જળ સંસ્થાઓના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે :રાજ્ય બંદરો અને જળ સંસ્થાઓના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. નર્મદા નદી પર ભાડભુત જળાશયના નિર્માણ માટે રૂપિયા 1415 કરોડ અને ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂપ્યા 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં ગુજરાતમાં નવા ફિશિંગ બંદરો વિકસાવવા અને હાલના કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂપિયા 640 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં વિકાસલક્ષી પગલાં માટે રૂપિયા 76 કરોડ ફાળવવામાં આવ્યા છે.