ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 1:01 PM IST

Updated : Oct 20, 2023, 5:19 PM IST

ETV Bharat / state

Pakistani Spy Arrests: ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસની ધરપકડ, આર્મીને લગતી સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન મોકલતો હતો

ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે કામ કરતા એક વ્યક્તિની આણંદના તારાપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ શખ્સ આર્મીની હિલચાલ અંગેની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો.

ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ

પાકિસ્તાન માટે કામ કરતા એક વ્યક્તિની આણંદના તારાપુર ખાતેથી ધરપકડ

અમદાવાદ:ગુજરાતમાં ફરી જાસુસીનો મામલો સામે આવ્યો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે કામ કરતા એક વ્યક્તિની આણંદ ખાતેથી ધરપકડ કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી આ વ્યક્તિ પાકિસ્તાન એજન્સી માટે કામ કરતો હતો. આ મામલે ATS દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.

આર્મીની હિલચાલ અંગેની માહિતી: મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ઇન્ડીયન આર્મી, નેવી, એરફોર્સનાં પરિવારજનોના મોબાઈલ ફોન હેક કરીને તે લોકોની અંગત વિગતો મેળવતો હતો. સેનાના પરિવારજનોની માહિતી પાકિસ્તાન મોકલી આપતો હતો. પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સાથે સંપર્ક ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આર્મીની અગત્યની હિલચાલ અંગેની માહિતીઓ પ્રાપ્ત કરીને તે પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આરોપી દ્વારા કેટલી અને કેવી માહિતી પાકિસ્તાનમાં આપવામાં આવી છે તે બાબતની તપાસ શરૂ છે.

કોણ છે પાકિસ્તાની જાસૂસ: મીલીટરી ઇન્ટેલીજન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, લાભશંકર મહેશ્વરી નામનો આ શખ્સ મૂળ પાકિસ્તાની નાગરિક છે. જે તેની પત્નીની સારવાર માટે 1999માં ગુજરાતમાં તેની સાસરી આણંદના તારાપુર ખાતે આવ્યો હતો અને ત્યારબાદ તેણે ગુજરાતમાં જ સેટલ થઈને 2006માં ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી હતી. વર્ષ 2022માં ફરી લાભશંકર પાકિસ્તાનમાં તેના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દોઢ મહિના દરમિયાન લાભશંકર પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તે ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવા તૈયાર થયો હતો.

ફોરેન્સિક તપાસમાં થયો ખુલાસો:તારાપુર રહીને આ જાસૂસ લાભશંકર મહેશ્વરીએ ભારતીય મોબાઈલ નંબર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીને આપ્યો હતો. અને તેમાં વોટ્સએપ ડાઉનલોડ કરીને તે આર્મીને લગતી સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન પહોંચાડી રહ્યો હતો. ગુજરાત ATSની છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ પર નજર હતી. ગુજરાત ATS દ્વારા તેને ઝડપી લઈને તેનો મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા બાદ ફોરેન્સિક તપાસમાં સમગ્ર ઘટના બહાર આવી હતી. આ મામલે ગુજરાત ATSએ આરોપીની પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી લાભશંકર મહેશ્વરીએ વર્ષ 2006માં ભારતીય નાગરિકતા મેળવી હતી અને જાસૂસીનું કામ કરતો હતો. આરોપી લાભશંકર મહેશ્વરી એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરીને ભારતને નુકસાન કરતી માહિતીઓ પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો. તેઓ પોતે આર્મી પબ્લિક સ્કૂલના રિસેપ્શનિષ્ટમાંથી બોલે છે અને બાળકનું ફોર્મ ભરવું પડશે તેવું કહીને આર્મીના જવાનો, પરિવારજનોને લિંક મેસેજ મોકલીને ડેટા હેક કરીને માહિતી પાકિસ્તાન સુધી મોકલતો હતો. આરોપીએ 2022માં પાકિસ્તાન ગયા હોવાની વિગતો પણ સામે આવી છે અને પત્નીના વિઝા માટે પાકિસ્તાન જવા એપ્લિકેશન કરી હતી. વર્ષ 2022 માં તેઓએ પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી જ્યારે આરોપી ભારતીય નંબરથી વોટ્સએપ પાકિસ્તાનમાં વાપરતો હતો. - ઓમ પ્રકાશ જાટ, SP, ATS

ભારતીય નંબરથી વોટ્સએપ પાકિસ્તાનમાં વાપરવામાં આવતું હતું. સીમકાર્ડ મોહમ્મદ સંકલનના નામે જામનગરથી ખરીદી કરવામાં આવ્યું હતું. લાભશંકર મહેશ્વરીએ બહેન થકી આ સીમકાર્ડ પાકિસ્તાન મોકલ્યું હતું. જ્યારે આરોપી લાભશંકરે મોકલેલું સીમકાર્ડ અજગર હાઝીઝ મોદીના નામના મોબાઇલમાં સૌપ્રથમ ચાલુ કરવામાં આવ્યું હોવાની પણ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે આ સીમકાર્ડ પાકિસ્તાની જાસુસી સંસ્થાના એજન્ટ દ્વારા પાકિસ્તાનથી જ ઓપરેટ થતું હતું જે whatsapp દ્વારા ભારતીય સેનાના જવાનો તેમજ સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. જેમાં પાકિસ્તાનથી રિમોટ એક્સેસ માલવેલ મોકલવામાં આવતો હતો અને તેના થકી મોબાઇલ ફોનની તમામ માહિતી જેવી કે કોન્ટેક લીસ્ટ ફોટો વિડિયો અને સ્ટોરેજ ફાઇલનો ડેટા એક્સેસ કરી તેને અન્ય દેશમાં રહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ શરૂઆત ઉપર મોકલવાની ક્ષમતા પણ આ માલવેરમાં હતી. - ઓમ પ્રકાશ જાટ, SP, ATS

ગુજરાત એટીએસ દ્વારા આરોપી લાભશંકર દુર્યોધન મહેશ્વરીની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. હવે ગુજરાત ATS દ્વારા આરોપી કેટલા અધિકારીઓના અને આર્મી જવાનોના ફોનને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, માહિતી આપવા માટે નાણાકીય વ્યવહાર કર્યા છે કે નહીં અને અન્ય કોની કોની સાથે આરોપી સંપર્કમાં હતો તે તમામ બાબતની તપાસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

  1. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા યુવકની ધરપકડ
  2. Operation Chakra-2 of CBI: CBIએ સાયબર ગુનેગારો વિરુદ્ધ 76 સ્થળોએ દરોડા પાડ્યા
Last Updated : Oct 20, 2023, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details