ગાંધીનગર: ગુજરાત રાજ્યના ભારત દેશના ગ્રોથ એન્જીન તરીકે ઓળખવામાં આવે છે. ભાજપ પક્ષ દ્વારા ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર હોવાના નિવેદન કરવામાં આવે છે. ત્યારે દેશના વિકસત રાજ્ય ગુજરાતના મહાનગરપાલિકા, નગરપાલિકા ગ્રામ્ય વિસ્તારોના અનેક નાગરિકો પાસેથી કરોડો રૂપિયા ઠગાઈ કરવામાં આવી હોવાનું ગૃહમાં સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ ફરિયાદ ગુજરાતના આર્થિક વિકાસમાં સહકાર આપનારા અમદાવાદ સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સૌથી વધુ ગુનાઓ નોંધાયા છે.
છેલ્લા 3 વર્ષમાં 3800 કરોડની ઠગાઈ : ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નનોના જવાબ આપવામાં આવ્યો તેના થકી આ તારણો નીકળી રહ્યાં છે. સરકારે પૂરા પાડેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 3800 કરોડની ઠગાઇ ગુજરાતીઓ સાથે થઇ છે. 31 માર્ચ 2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 40 શહેરમાં થયેલી ઠગાઇ અને છેતરપિંડીની વિગતો વિધાનસભામાં જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2021માં ગુજરાતી સાથે 8,84,36,79,033 રકમથી છેતરપિંડી થઇ હતી. વર્ષ 2022માં 15,83,64,58,695અને 2023માં 15,71, 86,85,601 રકમની છેતરપિંડી અને ઠગાઇ ગુજરાતીઓ સાથે થઇ છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરાના લોકો સાથે સૌથી વધુ ઠગાઇ અને છેતરપિંડી થઇ છે.