ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ટેક્ષ નિયમો અમલી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા GST સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. GST કાયદા અંતર્ગત એક જ ચીજ વસ્તુ પર વેપારી 2 વખત ટેક્ષ ન ભરવા પડે તે માટે સરકારે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરી છે. જેમાં સરકારના નિયમોનું ગેરકાયદેસર રીતે વેપારીઓ દ્વારા અમલ કરવામાં આવ્યું છે. જેથી સરકારને છેલ્લા 2 વર્ષમાં 2460.6 કરોડ રૂપિયાનો ચૂનો સરકારી તિજોરીને લાગ્યો છે.
ખોટા બિલ બનાવીને મેળવી ટેક્ષ ક્રેડિટ : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે 31 ડિસેમ્બર 2022ની પરિસ્થિતિ કેટલા બોગસ બિલો બનાવીને ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવવામાં આવી છે. આ પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 01 જાન્યુઆરી 2021 થઈ 31 ડિસેમ્બર 2021માં કુલ 1347 કિસ્સા બોગસ બિલથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી છે. જ્યારે 01 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 1946 કિસ્સા નોંધાયા છે. આમ કુલ 3293 ખોટા બિલ રજૂ કરીને 2460.6 કરોડનું ટેક્ષ ઇનપુટ ક્રેડિટ લેવામાં આવી છે.