ગાંધીનગરઃ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ત્રિપાંખીયો જંગ (Aam Admi party Gujarat) જોવા મળશે એ વાત નક્કી છે. પણ ઉત્તર ગુજરાતની બેઠકો પર ભાજપ-કોંગ્રેસની ફરી ટક્કર જોવા મળી શકે છે. કારણ આ બેઠકો પર નાના પાયા અને વહીવટમાં કોંગ્રેસનો પણ દબદબો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ડંકો વગાડવા માટે આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. જોઈએ એક રીપોર્ટ
હોમ ગ્રાઉન્ડઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડ મનાતા આ વિસ્તારને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બહુ પાતળી બહુમતીથી જીવતદાન મળ્યું હતું. પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનના સામા પ્રવાહે ઉત્તર ગુજરાતમાંથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકોનું નુકસાન થયું હતું. જેના કારણે તે 27 બેઠકો પર ટકી રહી. આ વિસ્તારમાં ઓબીસી, આદિવાસી અને પાટીદાર સમાજનું મિશ્રણ. પાટણ, બનાસકાંઠા અને સાંબરકાઠા ભાજપ સામે અત્યારે પણ એક પડકાર છે. કારણ કે આમ આદમી પાર્ટીએ હિંમતનગરથી લઈને મહેસાણા સુધી એક ટીમ તૈયાર કરી લીધી છે. આ વખતે આમ આદમી પાર્ટીએ આયોજનપૂર્વક પગલાં લેતા ભાજપ સામે કપરા ચઢાણ તો છે જ. પણ કોંગ્રેસ આ વિસ્તારમાં ધીમે ધીમે પકડ ગુમાવી રહી છે. પક્ષ પલટાથી લઈને પીવાના પાણીના પ્રશ્નો અહીં ખાસ અસર કરતા દેખાય છે. ખાસ કરીને ચોમાસામાં સતત અને સખત વિકટ થતી સ્થિતિએ નેતાઓની કસોટી કરી છે. એવામાં એક વાત એ પણ ધ્યાને લેવી પડે કે, કોરોના કાળ બાદ આ પહેલી મોટી ચૂંટણી છે.