અમદાવાદ : ગુજરાતની દરિયાઈ સીમાઓ અને આંતરરાષ્ટ્રીય સીમાઓ પરથી નશીલા પદાર્થો રાજ્યમાં ઘુસાડવા માટે થઈ રહેલા પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ છે. મોટાભાગે આવા નશીલા પદાર્થો સાથે ગુજરાતમાં ઘુસતાની સાથે જ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે. એટલું જ નહિ, નશીલા પદાર્થો સાથે આરોપીઓ ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ચેકપોસ્ટ પરથી મુદ્દામાલ સાથે પકડાઈ જાય તે માટે રાજ્યની વિવિધ ચેકપોસ્ટ પર હાઈ ટેકનોલોજી આધારિત સ્કેનર લગાડવા રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે તેમ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
આ પણ વાંચો :Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી
10 સફળ દરોડા : પકડાયેલા ડ્રગ્સ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા પ્રધાન કહ્યું કે, રાજ્યનું યુવાધન ડ્રગ્સથી દુર રહે અને રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ સદંતર બંધ થાય તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે. ડ્રગ્સ માફિયાઓ પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તારીખ 31મી ડીસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા 10 સફળ દરોડા પાડી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 6.35 લાખનો ગાંજો અને 13.34 લાખનું એમ.ડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.