ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Budget Session 2023: સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા - ડોક્ટરો માટે ફરજિયાતપણે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવવા પડાપડી જોવા મળતી હોય છે. જોકે આ જ તબીબી વિદ્યાર્થીઓ ડોક્ટર બનીને બહાર પડે ત્યારે નનૈયો ભણે છે. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં બહાર આવ્યું છે કે ગ્રામીણક્ષેત્રમાં સેવા આપવામાં એમબીબીએસ તબીબ બન્યાં બાદ ડોક્ટરો હાજર થતાં નથી. છેલ્લા બે વર્ષમાં 359 ડોક્ટરો એવા છે કે જેઓ નિમણૂંકની જગ્યા ઉપર હાજર થયા નથી.

Appointment of Doctors : સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા
Appointment of Doctors : સરકારના પૈસે ડોકટરો બની ગ્રામીણક્ષેત્રમાં સેવા કરવામાં નનૈયો, 359 ડૉકટર હાજર ન થયા

By

Published : Mar 20, 2023, 3:38 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં સરકારી ખર્ચે ડૉકટરો ભણીને તૈયાર થાય છે. ખાનગી મેડિકલ કોલેજમાં એક સેમેસ્ટરની ફી 8 લાખ જેટલી હોય છે જ્યારે સરકારી મેડિકલ કોલેજમાં ફક્ત સામાન્ય ખર્ચમાં ડોકટરનો અભ્યાસ કરવામાં આવે છે. ડોકટર બન્યા બાદ ફરજીયાત જેતે ડૉકટરોએ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બનવવાની હોય છે. પરંતુ આવી ફરજ બજાવવામાં ઘણાં ડોક્ટરો નનૈયો ભણી દે છે. ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવેલી માહિતી અનુસાર 359 ડોક્ટરોને સરકારે નિમણૂક આપી હોવા છતાં ગ્રામીણક્ષેત્રમાં સેવા આપવા નિમણૂક બાદ હાજર જ થયા નથી.

કેટલા હાજર ન થયા : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર 2023 કાર્યવાહી દરમિયાનની આજની પ્રશ્નોત્તરીમાં ડોક્ટરો વિશે અગત્યની જાણકારી સામે આવી છે. ગુજરાતની સરકારી કોલેજમાંથી એમબીબીએસ કરેલા ડોક્ટરો માટે ફરજિયાતપણે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની હોય છે. પરંતુ રાજ્ય સરકારે નિમણૂક આપેલ હોવા છતાં પણ તેઓ હાજર ન થયા હોય તેવા ઘણાં કિસ્સા નોંધાયા છે. છેલ્લા બે વર્ષની પરિસ્થિતિમાં ગુજરાતમાં કુલ 359 ડોક્ટરો એવા છે કે જેઓ નિમણૂકની જગ્યા ઉપર હાજર થયા નથી. આમાં સૌથી વધુ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 33 જેટલા બોન્ડેડ ડોક્ટરો નિમણૂક થયા છતાં પણ હાજર થયા નથી.

આ પણ વાંચો Gandhinagar Cm Meeting: મુખ્યપ્રધાને આપી પાકનો સર્વે કરવાની સૂચના

રકમ વસૂલવાની બાકી : રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જે ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં હાજર ન થાય તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવામાં આવે છે. એમબીબીએસ ડોકટર પાસેથી 20 લાખ રૂપિયાનો ચાર્જ રાજ્ય સરકાર લે છે. ત્યારે 359 ડોક્ટર પાસેથી હાલમાં કુલ 18,25,00,000 રૂપિયા સરકારને લેવાના બાકી છે. કોંગ્રેસે આ મુદ્દે આક્ષેપ કર્યા હતા કે મોટી સંખ્યામાં ડોક્ટર હાજર થતા નથી અને તેની પાસેથી રાજ્ય સરકાર બોન્ડ વસૂલીને જ સંતોષ માને છે. જ્યારે હકીકતમાં સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકીને ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર ઉપલબ્ધ કરાવવા જોઈએ.

આંકડાનું એનાલીસીસ:બહાર આવેલી માહિતી મુજબ જિલ્લાવાર આંકડા જોઇએ તોબનાસકાંઠામાં 23,અમદાવાદ 04,મહેસાણા 07,ગાંધીનગર 01,ભરૂચ 14,નર્મદા 10, અરવલ્લી 04, વલસાડ 07, છોટા ઉદેપુર 20, દાહોદ 33, કચ્છ 32, મોરબી 10, ડાંગ 10, દ્વારકા 14, બોટાદ 11, ભાવનગર 05, બરોડા 01, રાજકોટ 07, જામનગર 14, મહીસાગર 10, પંચમહાલ 11, ગીર સોમનાથ 06, અમરેલી 14, આણંદ 02, ખેડા 05 ,જૂનાગઢ 05, પોરબંદર 00, સાબરકાંઠા 04, સુરત 21, પાટણ 10, સુરેન્દ્રનગર 25, નવસારી 09 અને તાપીમાં 09 ડોક્ટર ફરજ પર હાજર નથી થયાં.

આ પણ વાંચો Gujarat Assembly Budget Session: વિકાસના કામ માટે સરકારે 85,780 કરોડની લોન લીધી, માથાદીઠ આવક 2,14,809

60 લાખ આપો બોન્ડમાંથી મુક્તિ મેળવો : વિધાનસભા ગૃહમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, એમબીબીએસ પૂર્ણ થયા બાદ અમુક ડોક્ટરો પીજી માટેની તૈયારીઓ કરતા હોય છે અને તેઓ ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં જોડાઇ શકતા નથી. જ્યારે જો કોઈ ડોક્ટર સેવા આપવા તૈયાર ન હોય તો રાજ્ય સરકાર તેવા ડોક્ટરોને પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ પણ આપતી નથી. બોન્ડમાંથી મુક્તિ મેળવવી હોય તો એમબીબીએસ ડોક્ટર 20 લાખ અને પીજી ડોક્ટરોને 20+40 લાખ રૂપિયા આપી દે તો મુક્તિ આપવામાં આવે છે.

પોલિસી બદલાશે : સરકાર દ્વારા હવે આ પોલિસીમાં બદલાવ કરવામાં આવશે. ત્યારબાદ જ પ્રેકિટસ સર્ટિફિકેટ સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે જો કોઈ ડોકટર 1.5 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા તૈયાર હોય તો કોઈ પ્રકારનો બોન્ડની રકમ વસુલ કરવામાં આવતી નથી. જ્યારે ટૂંક સમયમાં વર્ષ 2024 સુધીમાં વર્ગ 2ના ડૉકટરો તમામ CHC PHC સેન્ટરમાં નિમણૂક કરવાની જાહેરાત પણ ગૃહમાં ઋષિકેશ પટેલે કરી હતી.

ગુજરાતની હોસ્પિટલમાં બાળ સ્પેશિયલ ડોકટર 50 ટકા ઓછા : કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડૉકટરોની મંજૂર કરેલી જગ્યાઓ બાબતનો પ્રશ્ન કર્યો હતો. સરકારે જણાવ્યું કેં 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ રાજ્યમાં બાળ રોગ નિષ્ણાત ડૉક્ટરની કુલ 90 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 45 જગ્યાઓ ખાલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાના કારણે આ તમામ જગ્યા ખાલી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું. આમ 50 ટકા જેટલા બાળરોગ નિષ્ણાંત ડોકટરોની જગ્યાઓ ખાલી હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારના બાળકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેઓ આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.

સરકારી મેડિકલ કોલેજમાં જગ્યાઓ ખાલી :પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજના મહેકમ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 જાન્યુઆરી 2023 ની પરિસ્થિતિએ બી જે મેડિકલ કોલેજ અમદાવાદ, સરકારી મેડિકલ કોલેજ બરોડા, સરકારી મેડિકલ કોલેજ સુરત, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, P.D.U. મેડિકલ કોલેજ રાજકોટ, અને એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરની કુલ 2153 જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત GMERS કોલેજમાં 1784 જગ્યાઓમાં સરકારે મંજૂર કરી છે. તેમાં સરકારી મેડિકલ કોલેજમાં 661 જેટલી જગ્યાઓ અને GMERS મેડિકલ કોલેજમાં 823 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details