ગાંધીનગર :ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ (Gujarat Assembly 2022)અનેક મહત્વના પ્રશ્નો કર્યા હતા. જેમાં સચિવાલયમાં સેક્શન અધિકારીઓની ખાસ જગ્યા ખાલી, પોલીસ કસ્ટડીમાં થયેલા મોત અને ગુજરાતી ચલચિત્ર અને પ્રોત્સાહન બાબતના અનેક મહત્વના મુદ્દાઓ ઉપર સરકારને સવાલ કર્યા હતા. જેમાં સરકારે પણ લેખિતમાં જવાબ આપ્યા છે. જે અંતર્ગત અમદાવાદમાં 24 કલાક પાણીના પ્રોજેક્ટ પર પણ હવે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. જ્યારે કસ્ટોડિયલ ડેથમાં પણ રાજ્ય સરકારે 6 લાખ રૂપિયાની સહાય પણ ચૂકવી છે.
અમદાવાદ 24 કલાક પાણીનો પ્રોજેકટ અધ્ધરતાલ ? -વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચાવડાએ અમદાવાદ શહેરને 24 કલાક પાણી પૂરું પાડવાના પ્રોજેક્ટ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિ જોધપુર વોર્ડમાં આનંદ નગર ડીએમએમાં 20 કલાકનો ડીએમએમાં, નોવેક્ષ ડીએમએમાં 14 થી 20 કલાક ગોકુલ આવાસ અને ઘર વિહોણા ડીએએમાં 6:30 કલાકે તેમજ સ્ટેડિયમ વોર્ડમાં 2 કલાક પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે વોટર મીટર આધારિત પાણીના વપરાશના દંડની નીતિ અમલમાં ન હોવાના કારણે નિર્ધારિત જથ્થા કરતાં વધુ પ્રમાણમાં પાણીનો વપરાશ થતો હોવાથી 24 કલાક પાણી આપવામાં આવતું નથી આમ રાજ્યમાં વોટર મીટર આધારિત પાણીના વપરાશથી નીતિ અમલમાં આવ્યા બાદ આ વિસ્તારોમાં તબક્કા વાત 24 કલાક પાણી પૂરું પાડવામાં આવશે.
ચંડોળા તળાવનાડેવલપમેન્ટનીકામગીરી બાબતે સવાલ -અમદાવાદના દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે અમદાવાદ ચંડોળા તળાવના ડેવલપમેન્ટની કામગીરી બાબતે સવાલ કર્યો હતો જેમાં 31 ડિસેમ્બર 2021 થી અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવનો કબજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો ન હોવાનું રાજ્ય સરકારે વિધાનસભાગૃહની પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું છે કે જ્યારે સરકારી માલિકીની ચંડોળા તળાવ જિલ્લા કલેકટર અમદાવાદના હસ્તક છે. જિલ્લા કલેકટરને વર્ષ 2015 વર્ષ 2020 અને 2021માં પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે પરંતુ કલેકટર તરફથી હુકમમાં સ્પષ્ટ થઈ ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવનો કબજો મેળવવાની કાર્યવાહી પૂર્ણ થઇ નથી.
રાજ્યમાં 188 કસ્ટડિયલ ડેથ -વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીએ રાજ્યમાં થયેલ કસ્ટોડિયલ ડેથ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવ બન્યા છે. જે અંતર્ગત વર્ષ 2020માં 88 અને 2021માં 100 જેટલી ઘટના સામે આવી છે. જે અંતર્ગત જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારી સામે ફોજદારી રાહે તેમજ ખાતાકીય રહે ફરજમોકુફી તથા રોકડ દંડની સજા જેવા શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં મૃતકના વારસદારોને છ લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે મળેલ ભલામણ પૈકી કોઈ વળતર ચૂકવવાનું બાકી ન હોવાનું પણ રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું.
રાષ્ટ્રીયસ્તરે ગુજરાત બીજા નંબરે છે - કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા (Custodial Death in India) જાહેર કર્યા હતાં. જેમાં ગુજરાતનો બીજો ક્રમાંક છે. દેશમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ 26 મોત મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 21 મોત પોલીસ કસ્ટડીમાં થયા (Custodial Death Report 2021) છે. આ આંકડા 1 જાન્યુઆરી 2021થી 15 નવેમ્બર 2021 સુધીના છે.આના પરથી કહી શકાય છે કે, લોક-અપમાં ત્રાસની ઘટનાઓ તેમ જ ન્યાયિક કસ્ટડી અથવા તો જેલમાં મૃત્યુના સંદર્ભમાં રાજ્યની છબી સારી નથી. નાણાકીય વર્ષ 2018-19 અને 2020-21ના સમયગાળામાં ગુજરાતની વિવિધ જેલમાં 202 મૃત્યુ થયા હતાં. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતાં, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વગર રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતાં.