- સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ યોજા
- ગાંધીનગર ખાતે રાજભવનમાં યોજાયો શપથવિધિ યોજાઈ
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા
ગાંધીનગર: છેલ્લા ત્રણ દિવસના રાજકીય હલચલનો અંત આવ્યો છે. વિજય રૂપાણીએ સીએમ પદેથી રાજીનામું આપ્યા પછી નવા સીએમ તરીકેનું નામ રવિવારે મળેલી ધારાસભ્યદળની બેઠકમાં જાહેર થયું હતું. નવા સીએમ તરીકે ગાંધીનગર લોકસભા વિસ્તારના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભૂપેન્દ્ર પટેલ બન્યા છે. તેમણે આજે ગાંધીનગરમાં રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા.
ચાર રાજ્યોના સીએમની ઉપસ્થિતિ
આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈ, ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીયપ્રધાન અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્ય પ્રધાન દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રી બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલને તમામે શુભેચ્છા આપી
મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યપ્રધાને ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આવેલા તમામ મહેમાનોએ પુષ્પગુચ્છ આપીને શુભકામના પાઠવી હતી. મુખ્ય સચિવ પંકજ કુમારે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.