રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વરસાદની સીઝનમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે મગફળીનો પાક પણ સારા પ્રમાણમાં થયો છે , જેને હવે રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા 122 જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ મગફળીના વેંચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે.
રાજ્ય સરકાર લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરશે, પ્રતિ મણ રૂપિયા 1018 ભાવ નક્કી
ગાંધીનગર: ચોમાસાની સિઝનમાં ચાલુ વર્ષે મગફળીનો સારો પાક થયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે પ્રતિમણ 1018ની કિંમતથી મગફળીની ખરીદી કરશે.
જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ 25 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે. જેમાં ચાલુ વર્ષે રાજ્યના 124 સેન્ટરો પરથી ખરીદી કરવામાં આવશે. જ્યારે પ્રતિ મણે 1018 રૂપિયા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદીની પ્રક્રિયા બાબતે રાદડીયાએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ થશે અને દિવાળીના લાભપાંચમના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે.
ગત વર્ષે થયેલી મગફળીના કૌભાંડ બાદ રાજ્ય સરકારે આ બાબત પર પગલા પણ લીધા હતાં. જ્યારે આ વર્ષે આવું કંઈ પણ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ જગ્યા અને ગોડાઉનને સ્ટોરેજની મુશ્કેલીના પડે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્થાનો પર CCTV મુકવામાં આવશે. આ વર્ષે કુલ 8 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 4.50 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી. આ વર્ષે 5.50 લાખ ટનની ખરીદી મુજબ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.