ગાંધીનગરઃ રાજ્યના પાટનગરમાં સરકારી નોકરીની લાલચ આપીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીએ કરોડોની ઠગાઈ આચરી છે. આ ઠગે કુલ 27 લોકોને સરકારી નોકરીની લાલચ આપી હતી. આ બેરોજગાર યુવકો પાસેથી કુલ 1 કરોડથી વધુ રુપિયા ખંખેરી લીધા છે. આ ઠગ વિરુદ્ધ સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાક્રમઃ નવા સચિવાલયમાં અન્ન અને પુરવઠા વિભાગમાં શૈલેષ ઠાકોર નામક ઠગ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આ ઠગના પરિચયમાં ઝેરોક્ષ મશિન રીપેર કરનાર અમિત ભાવસાર આવ્યા હતા. અમિત ભાવસારને સરકારી નોકરીની લાલચ શૈલેષે આપી હતી. અમિત ભાવસાર આ ઠગ શૈલેષ ઠાકોરે પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો. શૈલેષ ઠાકોર દિલ્હીના આઈએએસ ઓફિસર સાથે પરિચય છે અને સરકારી નોકરી મળી જશે તેમ જણાવ્યું હતું. જો કે આ નોકરી માટે પૈસા લાગશે તેમ જણાવીને પૈસા પડાવ્યા હતા. અમિત ભાવસાર સિવાય અન્ય 27 બેરોજગાર યુવકોને શૈલેષે પોતાની જાળમાં ફસાવીને રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરાવીને કુલ 1 કરોડ 43 લાખ રુપિયા ખંખેરી લીધા હતા. પૈસા મળી ગયા બાદ યુવકોએ નોકરી માંગતા શૈલેષ બહાના કાઢતો હતો. નોકરવાંચ્છુક યુવકોની ધીરજ ખૂટતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.