ગાંધીનગર :વર્તમાન સમયમાં કેન્સર, ડાયાબીટીસ, હાર્ટએટેક જેવી બીમારીઓ હવે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાસાયણિક ખેતીમાંથી મુક્તિ અને પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને વાળવા માટેનું આહવાન કર્યું છે. આચાર્ય દેવવ્રતે એવું નિવેદન આપ્યું હતું કે, વર્તમાન સમયમાં એક પણ જગ્યાએ ખાવા પીવાની વસ્તુઓ શુદ્ધ નથી. ધરતીમાં એટલું ઝેર નાખી દીધું છે કે, તમામ ફળ-ફ્રુટ અને ધાન્ય-પાક સ્લો પોઈઝન બની ગયા છે.
ખેડૂતોને અપીલ :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નિવેદન આપ્યું હતું કે, 22 જુલાઈએ ગુજરાતના રાજ્યપાલ તરીકે મારે ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ બે વર્ષ કોરોના કાળના કારણે પ્રાકૃતિક ખેતીમાં વધારે ધ્યાન આપી શકાયું નથી. પરંતુ છેલ્લા અઢી વર્ષમાં ગુજરાતના 7,13,000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. માર્ચ 2023 થી જુલાઈ સુધીમાં વધુ 10,39,000 ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં 14,485 જેટલી ગ્રામ પંચાયતમાંથી 5233 ગ્રામ પંચાયતમાં 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય 3,679 ગામમાં પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરશે. આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં જન આંદોલન રૂપે પ્રાકૃતિક ખેતીને લેવામાં આવશે.
યુરિયા ધીમું ઝેર : કેન્દ્રીય રસાયણ અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાત રાજભવન આવ્યા હતા. તેઓએ રાજભવનમાં રાજ્યપાલ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યપાલ બેઠક બાબતે જણાવ્યું હતું કે, મનસુખ માંડવીયાએ વિદેશમાંથી ભારતના ખેડૂતો માટે 2.5 કરોડ રૂપિયાનો યુરિયા ડીએપી ખાતર આયાત કર્યું હતું. આ ખેડૂતોએ ખાતરની ખરીદી કરી અને ધરતી માતાને ખાતર રૂપી ઝેર આપ્યું હતું. આમ ધરતીમાં એટલું ઝેર નાખી દીધું છે કે, તમામ વસ્તુઓમાં હાલમાં સ્લો પોઈઝન આવી ગયું છે. તેની અસર ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે અને તેનું પરિણામ હાર્ટ એટેક, ડાયાબિટીસ અથવા તો અન્ય બીમારી સ્વરૂપે વ્યક્તિઓમાં આવે છે.