વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પણ નોંધાવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસના કાઉન્સિલરો કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા. આ ચાર્જ કેવી રીતે લઇ રહ્યા છે તેની માહિતી આપવા પણ જણાવ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કમિશનર જાણે કે મુક્ત બની ગયા હોય તેમ વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપના હોદ્દેદારોએ ચાર્જ સંભાળી લીધો હતો.
ગાંધીનગર મહાપાલિકામાં 5 નવેમ્બરના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં મેયર તથા ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજવામાં આવી હતી. જે બાદ વિપક્ષ દ્વારા કોર્ટમાં પડકાર આપવામાં આવી હતી. તે સમય દરમિયાન તત્કાલીન મેયર પ્રવિણ પટેલ સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો હતો. પરિણામે કોર્ટ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીને લઈને સ્ટે આપવામાં આવ્યો હતો, પરંતુ તત્કાલીન મેયર પ્રવિણ પટેલે મેયર પદેથી અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ આ મામલો સરળ બન્યો હતો. પરિણામે ગાંધીનગર મહાપાલિકામાં ચોથા મેયર તરીકે રીટાબેન પટેલે ચાર્જ લીધો હતો. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નાજાભાઈ ઘાઘરે ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર રતન કવર ગઢવીએ ભાજપના નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર તરીકે આ બન્નેની જાહેરાત કરી હતી.
ભાજપના બે કોર્પોરેટર મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જીતુ રાયકાએ કહ્યું કે ભાજપના કોર્પોરેટરો ચાર્જ સંભાળે તેનાથી અમને કોઈ તકલીફ નથી પડતું. 5 નવેમ્બરની સામાન્ય સભામાં મેયર ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી જેના મત ના કવર સામાન્ય સભામાં ખુલવા જોઈએ અને ત્યારબાદ જેની બહુમતી હોય તે ચાર્જ સંભાળી શકે છે, તેનાથી અમને કોઈ તકલીફ નથી પડતો.