ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023: રૂપાલ ગામે નવરાત્રિના 9મા નોરતે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી, શુદ્ધ ધીનો થશે અભિષેક - 27 ચોકમાં પલ્લી

વરદાયીની માતાજીની અતિપ્રસિદ્ધ એવી પલ્લી ગાંધીનગરના રુપાલ ગામેથી નીકળે છે. આ પલ્લીમાં શુદ્ધ ધીનો અભિષેક કરવામાં આવે છે. પાંડવોના સમયથી પ્રસિદ્ધ એવા વરદાયીની માતાજીની પલ્લી વિશે વાંચો વિસ્તારપૂર્વક

રૂપાલ ગામે નવરાત્રિના 9મા નોરતે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી
રૂપાલ ગામે નવરાત્રિના 9મા નોરતે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 4:42 PM IST

નવરાત્રિના 9મા નોરતે નીકળશે વરદાયીની માતાજીની પલ્લી

રુપાલ: માત્ર ગુજરાત જ નહિ સમગ્ર ભારત અને કેટલાક દેશોમાં અતિપ્રચલિત એવી રુપાલની પલ્લી 23મી ઓક્ટોબર સોમવારના રોજ રાત્રે 12 કલાકે ભરાશે. વરદાયીની માતાની પૂજા અર્ચના માટે નીકળતી આ પલ્લીમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરવા માટે ગાંધીનગરના રુપાલ ગામે ભક્તો દૂર દૂરથી આવે છે.

પલ્લી વિશેઃ રુપાલ ગામે નીકળતી વરદાયીની માતાજીની પલ્લીનું સવિશેષ મહત્વ છે. આ પલ્લીમાં ગામના 18 સમાજો એક સાથે મળીને યોગદાન આપે છે. આ પલ્લી ગામની ગલીઓમાંથી પસાર થાય છે અને ગામના 27 ચોકમાં માતાજીના રથને ઊભો રાખવામાં આવે છે. અત્યારે 27 ચોકમાં પલ્લી સંદર્ભે તૈયારીઓ ચાલી રહી છે તેમજ દરેક ગલીઓ અને રસ્તામાં ઘીના મોટા કુંડ બનાવવામાં આવી રહ્યા છે. આ પલ્લી દરમિયાન ઘી ટ્રોલીમાં ભરીને માતાજીની પલ્લી પર અભિષેક કરવામાં આવે છે.

પલ્લી અને રુપાલના બાળકોનો સંબંધઃ રુપાલ ગામમાં જન્મ લેતા બાળકો અને આ પલ્લી વચ્ચે ગાઢ સંબંધ છે. રુપાલમાં જન્મ લેતા બાળકોને પલ્લીની જ્યોત પર ફેરવવામાં ન આવે ત્યાં તેમની બાબરી ઉતારી શકાતી નથી. તેથી પલ્લી દરમિયાન માતાજીના રથ પર રહેલી જ્યોત પરથી બાળકને ફેરવવાનો રિવાજ છે. બાળક ખૂબ ભીડ અને જ્યોતને જોઈને રડવા લાગે છે તેમ છતાં ભક્તો બાળકને જ્યોત પર એક હાથે ફેરવ્યા બાદ માતા પિતાને પરત કરે છે. બાળકના જન્મ બાદ સવા મહિને પરિવારના એક સભ્યએ એક દિવસનો માતાજીનો ઉપવાસ પણ કરવો પડે છે.

સરકારી તંત્ર ખડે પગેઃ રુપાલની પલ્લી સંદર્ભે સરકારી તંત્ર દ્વારા ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે. અદ્યતન તબીબી સેવાઓથી સજ્જ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે. પાંચ મેડિકલ ટીમ રુપાલમાં ભક્તોની સારવાર માટે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પાંચ 108 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પલ્લીના મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોનું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે. તાજેતરમાં અંબાજી યાત્રાધામે નકલી ઘીનો કિસ્સો સામે આવ્યો હતો તેવી ઘટના રુપાલમાં ન બને તે માટે ઘીનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. ભક્તોને રુપાલ ગામે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે હંગામી ધોરણે સાત જેટલા બસ ડેપોની સગવડ ઊભી કરાશે.

આ પલ્લીમાં ગામના 18 સમાજોના નાગરિકો સાથે મળીને પોતાનું યોગદાન આપે છે. ગામના 27 ચોકમાં પલ્લીનો રથ ફેરવવામાં આવે છે. આ ચોક અને ગલીઓમાં ઘીના કુંડ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે 8 જેટલા પ્રોજેક્ટરની સગવડ ઊભી કરવામાં આવી છે. પાંડવોના સમયથી વરદાયીની માતાનું મહાત્મ્ય જળવાયેલું છે...નીતિન પટેલ(ટ્રસ્ટી, વરદાયીની માતા મંદિર, રુપાલ)

  1. Navratri 2023: 423 વર્ષ જૂના પૌરાણિક મંદિરે તલવારના અદ્ભૂત કરતબો દ્વારા માની આરતી
  2. Navratri 2023: ભાવનગરમાં પરંપરાગત શેરી ગરબાની ધૂમ, પ્રાચીન-અર્વાચીન ગરબા પર ઝુમતા ખેલૈયાઓ

ABOUT THE AUTHOR

...view details