રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ટાટ 1 અને 2 પરીક્ષા વર્ષ 2014માં લેવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને આશા હતી કે, તેઓ શિક્ષક બનીને નોકરી કરશે. પરંતુ સરકારની ઢીલાશને કારણે પણ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. થોડા સમય પહેલાં પણ રાજ્યમાં ત્રણ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું સરકારે કહ્યું હતું. પરંતુ સરકારના વાયદાઓ લોલીપોપ સમાન બની રહ્યાં છે. ત્યારે ભાવિ શિક્ષક ન્યાય મેળવવા આંદોલનના માર્ગે ઉતર્યો છે.
સત્યાગ્રહ છાવણીમાં ભાવિ શિક્ષકો સરકારની સદબુદ્ધિ માટે હવન કરે તે પહેલા જ પોલીસ સામાન લઈ ગઇ..! - ગાંધીનગર
ગાંધીનગરઃ એકતરફ શિક્ષણપ્રધાન દ્વારા દુબઈમાં સ્ટડી ઇન ગુજરાત જેવા કાર્યક્રમ થાય છે, બીજીતરફ રાજ્યમાં ખાલી પડી રહેલી અલગ અલગ જગ્યાઓ ભરવા સરકારની દાનત ખારી હોય તેવું જોવા મળી રહ્યું છે. ટાટ-1 અને 2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો શિક્ષકની ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, પરંતુ સરકારની ખરાબ દાનતને લઈને ભાવિ શિક્ષકોને નોકરી માટે આંદોલન કરવા પડી રહ્યાં છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકારને સદબુદ્ધિ મળે તે માટે યજ્ઞનું આયોજન કરાયું હતું, પરંતુ પોલીસ યજ્ઞ કરવા આવનાર ભૂદેવોનો સામાન લઈ ગઈ અને હવનને નિષ્ફળ બનાવી દીધો હતો.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સરકાર દ્વારા ત્વરિત ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન સરકારમાં બેઠેલા લોકોને સદ્બુદ્ધિ મળે એવા હેતુથી એક હવનનું આયોજન કર્યું હતું. જેને લઇને ભૂદેવો પણ બોલાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આ ઉમેદવારો ભૂદેવો સાથે યજ્ઞમાં આહુતિ આપે તે પહેલાં જ પોલીસે ભૂદેવો લઈને આવેલા તેમનો સામાન લઈ ગઈ હતી.
રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારો પોતાની માગ સાથે અડગ બેઠાં હતાં. પરંતુ પોલીસનો ડર બતાવીને આંદોલન સમેટી ઉમેદવારોને સત્યાગ્રહ છાવણી છોડી દેવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે ઉમેદવારોએ પણ તેમની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જણાવ્યું હતું.