ગુજરાત સરકાર દ્વારા સઘન આયોજન ગાંધીનગર : આ વર્ષે કેન્દ્ર સરકાર G20નું આયોજન કરવામાં આવ્યું છે જે હેઠળ દેશભરના અનેક શહેરોમાં G20ની બેઠકો પણ યોજાય છે. ત્યારે 27 માર્ચથી બીજા તબક્કાની G20ની બેઠકો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે. G20 આ બેઠકોમાં 22 દેશના 50થી વધુ ડેલિગેટ ગાંધીનગરમાં હાજર રહેશે. ત્યારે માનવંતા મહેમાનો માટે સ્વાગત, ડિનર અને મુલાકાતોનું ગુજરાત સરકાર દ્વારા સઘન આયોજન કરી લેવામાં આવ્યું છે.
મહત્ત્વના સ્થળોની મુલાકાત : ગુજરાત સરકાર દ્વારા G20 બેઠકોમાં આવી રહેલા તમામ ડેલિગેટને ડિનર માટેનું પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત G20ની બેઠક બાદ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે દાંડીકુટિર અને અડાલજની વાવ જેવા મહત્ત્વના સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે જેના થકી તેઓ ભારત અને ગુજરાત વિશે વધુ ઊંડાણથી જાણી શકશે.
આ પણ વાંચો G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
ડિઝાસ્ટર મુદ્દે ચર્ચા :G20ના મુખ્ય અધિકારી મોના ખંધારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 માર્ચથી 1 એપ્રિલ 2023 દરમિયાન ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મોરેશિયસ, ઓમાન, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, યુએઇ, યુકે, યુએસએ જેવા દેશોના ડેલિગેટ્સ હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહેશે.
કઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવશે : G20 આ બેઠકોમાં 22 દેશના 50થી વધુ ડેલિગેટ હાજર રહેવાના છે તેમાં કોઆલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI), યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા પેસિફિક UNESCAP, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO), યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન UNDRR, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP, યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર પ્રોજેક્ટ સર્વિસિસ UNOPS, અને વર્લ્ડ બેંકના ડેલિગેટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો G20 Meeting : B20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે
ભૂકંપમાં સરકારના કામકાજ બાબતે ચર્ચા : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 29મી માર્ચ 2023ના રોજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે રિમેમ્બરિંગ ડિઝાસ્ટર બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ગુજરાતના કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં રાજ્ય સરકારે કેવી રીતે કામ કર્યું અને હાલમાં ભૂકંપ બાદ રાજ્ય સરકારનું કેવું આયોજન છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ડેલિગેટને ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક કે જે 2001ના ગુજરાત કચ્છ ભૂકંપના પીડિતોને સમર્પિત ભારતનું સૌથી મોટું સ્મારક અને સંગ્રહાલય છે તેની પણ મુલાકાત કરાવવામાં આવશે.