ગાંધીનગર : ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં ડ્રગ્સનું દુષણ વધુ ખરાબ થાય નહીં અને ડ્રગ્સ માફિયાઓ લઈને સરકાર પણ હવે એક્ટિવ બની છે. ત્યારે ફરી એક વર્ષની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન 28 ઓગસ્ટ ના રોજ કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર ખાતે હાજર રહેશે.
ગૃહપ્રધાને પોલીસ ભવનમાં કરી બેઠક :કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટે આવી રહ્યા હોવાની ગૃહવિભાગના ઉચ્ચ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આજે રાજયકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્ય પોલીસ દ્વારા ડ્રગ્સ મુદ્દે કેવી કામગીરી કરવામાં આવી તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ એક ખાતે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વેસ્ટન ઝોનલ કાઉન્સિલની બેઠકને લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતાં.
ડ્રગ્સ મુદ્દે પોલીસ કામગીરીથી અસંતુષ્ટ છે અમિત શાહ : વેસ્ટર્ન ઝોનલની બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે 26 ઓક્ટોબર 2022ના રોજ 5 રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંબોધતા નિવેદન આપ્યું હતું કે તમામ રાજ્યોની પોલીસ અને એનસીબી વિભાગ સાથે એકતા રાખીને કામ કરવું પડશે. ડ્રગ્સની હેરાફેરી વધતા જેના ઉપર અંકુશ લગાડવા માટે આ બેઠકમાં પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે સાથે જ જે પોલીસે કામગીરી કરી છે તેનાથી મને સંતોષ નથી. આ પ્રકારનુંં નિવેદન અમિત શાહે 26 ઓક્ટોબર 2022ના રોજ આપ્યું હતું.