ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023 : ગાંધીનગરમાં નવરાત્રીમાં રામકથા મેદાનમાં યોજાશે કેસરિયા ગરબા, જૂઓ કઇ મહત્ત્વની થીમ પર થઇ રહ્યું છે આયોજન

ગાંધીનગર રામકથા મેદાનમાં વર્ષોથી સતત ગરબાનું આયોજન કલ્ચરલ ફોરમ દ્વારા કરવામાં આવતું હતું. પણ હવે વર્ષો જૂની ઓળખ નવરાત્રી 2023માં જોવા નહીં મળે. કારણ કે કલ્ચરલ ફોરમની જગ્યા આ વર્ષે કેસરિયાએ લીધી છે અને તેમના દ્વારા અલગ નવરાત્રી જોવા મળશે.

Navratri 2023 : ગાંધીનગરમાં નવરાત્રીમાં રામકથા મેદાનમાં યોજાશે કેસરિયા ગરબા, જૂઓ કઇ મહત્ત્વની થીમ પર થઇ રહ્યું છે આયોજન
Navratri 2023 : ગાંધીનગરમાં નવરાત્રીમાં રામકથા મેદાનમાં યોજાશે કેસરિયા ગરબા, જૂઓ કઇ મહત્ત્વની થીમ પર થઇ રહ્યું છે આયોજન

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 5:41 PM IST

કલ્ચરલ ફોરમની જગ્યા આ વર્ષે કેસરિયાએ લીધી

ગાંધીનગર : ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા આવર્ષે નવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર નથી. ત્યારે ગાંધીનગરના ગરબાપ્રેમી સહિત બહારગામથી રમવા આવનારા ખેલૈયાઓ પણ ફોરમની નવરાત્રીની કમી અનુભવશે. જોકે આ વર્ષે રામકથા મેદાન નવરાત્રી ઉજવણી વગર નથી રહેવાનું, કારણ કે કેસરિયા ગરબા આયોજકો દ્વારા કંઇક અલગ રીતે થીમ નવરાત્રી ઉજવણી થતી જોવા મળશે. ત્યારે વર્ષોથી કલ્ચરલ ફોરમના ગરબા રમતાં ખૈલેયાઓ અફસોસ અનુભવી રહ્યાં છે.

અમદાવાદથી સ્પેશિયલ આઠમના ગરબા રમવા આવતા અમદાવાદના રહેવાસી અને ગાંધીનગરના કલ્ચરલ ફોરમમાં ગરબા રમવા આવતા બ્રિન્દા રાવલે ઈટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે નવરાત્રિની મહા આઠમના દિવસે સ્પેશિયલ ગરબા રમવા માટે અમદાવાદથી ગાંધીનગર આવતા હતાં. આઠમના દિવસે કલ્ચરલ ફોર્મમાં જે મહા આરતીની અલગ અલગ થીમ રાખવામાં આવતી હતી તેની મજા જ કંઈક અલગ હતી. જ્યારે અમે છેલ્લા કેટલાય વર્ષોથી ફક્ત આઠમના ગરબા માણવા જ ગાંધીનગરના કલ્ચર ફોર્મમાં આવતા હતાં પરંતુ હવે એ પણ થઈ શકશે નહીં તે ખૂબ જ અફસોસની વાત છે...બ્રિન્દા રાવલ (કલ્ચરલ ફોરમમાં ગરબા ચાહક)

અમે કલ્ચરલ ફોરમ ખૂબ મિસ કરીશું : તો અમદાવાદના ગરબા પ્રેમી ધ્રુવા પટેલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ફક્ત અમદાવાદથી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણવા અને રમવા જ આવતા હતાં અને આઠમના દિવસે જે વાતાવરણ હોય તે અમને ખૂબ જ ગમતું હતું. આઠમના ગરબાની શરૂઆતથી જ તમામ ખેલૈયાઓને હાથમાં દીવડા આપી દેતા હતાં અને અલગ અલગ થીમ ઉપર તેના ફોટોસ પણ બનાવતા હતાં. અમે સતત ચાર વર્ષથી આઠમના દિવસે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માટે જ આવતા હતાં.

શા કારણે કલ્ચરલ ફોરમના ગરબા નહીં થાય? : ગાંધીનગર અને અમદાવાદના ગરબાપ્રેમીઓ મહા આઠમના દિવસે ગમે તેમ કરીને પાસ મેળવવા માટેની વ્યવસ્થા કરવા માટે સવારથી જ જુગાડ કરતા હોય છે. ત્યારે આ વખતે કલ્ચરલ ફોરમના ગરબા તો થવાના નથી. ગરબા શા કારણથી નહીં થાય તે પણ લોકોને જાણવાની પૃચ્છા હતી ત્યારે ઈટીવી ભારતે કલ્ચરલ ફોરમના ગરબાના મુખ્ય આયોજક કૃષ્ણકાંત ઝા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કલ્ચરલ ફોરમના ગરબા નહીં કરવાનો આ વખતે કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. અનેક સભ્યો વિદેશમાં હોવાના કારણે ગરબા નહીં યોજાય પરંતુ આવનારા વર્ષોમાં કલ્ચરલ ફોરમ ફરીથી ગરબા આયોજન કરશે તેવું નિવેદન પણ કૃષ્ણકાંત જાએ આપ્યું હતું. જણાવીએ કે કલ્ચરલ ફોરમ દ્વારા 1995થી ગાંધીનગરમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હતું.

હવે કેસરિયો, પીએમ મોદી અને અમિત શાહને આમંત્રણ : રામકથા મેદાનમાં કલ્ચરલ ફોરમના ગરબા નહીં પરંતુ હવે કેસરિયા નામના ગરબા યોજાશેલ ત્યારે આ બાબતે કેસરિયા ગરબાના આયોજક કેતન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેસરિયાના નામ ઉપર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળથી કારીગરોને ગુજરાતમાં બોલાવીને ગરબા ગ્રાઉન્ડમાં અયોધ્યાના જેવું આબેહૂબ રામ મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ગરબામાં આસપાસના સ્થળે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગરબાના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમના પ્રધાનમંડળના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેસરિયા ગરબામાં રામ મંદિરની થીમ : કેસરિયા ગરબાના આયોજક કેતન પટેલે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે કેસરિયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેની થીમ ઉપર જ રામકથા મેદાનમાં પણ રામ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઓગસ્ટ મહિનાથી પશ્ચિમ બંગાળમાંથી 40 જેટલા કારીગરો અહીંયા રામ મંદિર તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ રામ મંદિર તૈયાર કરવામાં આવશે અને આઠ ઓક્ટોબરના રોજ અયોધ્યા જઈને રામના પાદુકા પણ અહીંયા લાવવામાં આવશે. મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી મૂર્તિ પણ રાખવામાં આવશે અને લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. રામ મંદિરની થીમ પર રામકથા મેદાનમાં 101 ફૂટ ઊંચું રામ મંદિરનું વાંસ અને કાપડનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી નિર્માણ કરવામાં આવ્યું છે.

10,000 ખૈલૈયાઓની વ્યવસ્થા ગરબા આયોજક કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે રામકથા મેદાનમાં 90,000 સ્ક્વેર ફૂટ મેદાનમાં 10,000 ખૈલૈયાઓની રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રથમ વખત દિવ્યાંગ બાળકો માટે અલગ નાનકડું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. મેદાનમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને એન્ટ્રીથી એક્ઝિટ સુધી તમામ જગ્યા ઉપર હાઈ ડેફીનેશનવાળા સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે. જ્યારે અનેક જગ્યા ઉપર પાર્ટી પ્લોટમાં કે આવા આયોજનોમાં જે સ્ટોલ લાગ્યા હોય છે તેમાં તમામ વસ્તુઓના ભાવ બમણા હોય છે, ત્યારે કેસરિયા ગરબામાં જે પણ સ્ટોલ છે તેમાં બજાર કિંમત મુજબ જ પાણીની તથા અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ ખેલૈયાઓને મળી શકશે અને કોઈપણ વધારાનો ભાવ ચૂકવવો નહીં પડે.

તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાઈ : હાલમાં નવરાત્રીના ગરબાની પ્રેક્ટિસ કરતા અનેક યુવાનોના મૃત્યુ થયા છે અને આ મૃત્યુ હાર્ટ એટેકથી થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. ત્યારે કેસરિયા ગરબા મહોત્સવમાં ખાસ બે હોસ્પિટલ દ્વારા આઇસીયુ અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થાની એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની ઇમર્જન્સી થાય તો ખેલૈયાઓને જીવના જોખમમાંથી બહાર લાવી શકાય. આમ બે એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.

  1. કલ્ચરલ ફોરમનું નવરાત્રિ આયોજન રદ, 15 કરોડનું નુકશાન
  2. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા નિહાળ્યા
  3. ગાંધીનગરમાં 25માં વર્ષે કલ્ચરલ ફોરમના ગરબા યોજાશે

ABOUT THE AUTHOR

...view details