ગાંધીનગર : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી બટાટા પકવતા ખેડૂતો માટે રૂપિયા 330 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.
લાલ ડુંગળી પર કેટલી સહાય મળશે? : ગુજરાતના કૃષિપ્રધાન રાધવજી પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને એક કટ્ટા દીઠ 100 રૂપિયા એટલે કે, એક કિલોએ રૂપિયા બે અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા (250 ક્વિન્ટલ) અથવા 50,000 રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂપિયા 70 કરોડ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો Unseasonal Rain : 80 હજાર ડુંગળીની ગુણી પર પાણી ફરી વળ્યું, માવઠાની ખેડૂતને થપાટ
વાહતુક સહાય યોજના અંતગર્ત સહાય : લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં નોંધાયેલ ખેડૂતો/વેપારીઓને લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત બે લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂપિયા 20 કરોડની સહાય જાહેર કરી છે.
બટાટા પર રૂપિયા 240 કરોડની સહાય : બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂપિયા 240 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગઅલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.