ગાંધીનગર : ભારત દેશને G20 નું યજમાન પદ મળ્યું છે.જેની બેઠકો વિવિધ શહેરોમાં યોજાઇ રહી છે. જે અંતર્ગર્ત થોડા દિવસ પહેલા યોજાયેલ અર્બન 20 બેઠક બાદ હવે 14 જુલાઈ થી 16 જુલાઈ સુધી ગાંધીનગરમાં 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રુપની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 17 અને 18 જુલાઈના રોજ ગાંધીનગરમાં 3જી નાણાંપ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પણ હાજર રહેશે.
વર્તમાન સમયમાં ડિજિટલ ફાઈનાન્સને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ડિજિટલ ફાઈનાન્સ બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાયમેટ એજન્ડા અત્યારે તમામ દેશ માટે ખૂબ જ મહત્વના છે. જ્યારે ગુજરાત માટે પણ આ એજન્ડા ખૂબ મહત્વનો છે. ક્લાયમેટ ચેન્જ માટે ભંડોળ કઈ રીતે ઉભું કરવું તે બાબતે IMF દ્વારા ચર્ચા કરવામાં આવશે, મિનિસ્ટર લેવલે જે બેઠક થશે તેમાં ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ અટકાવવા માટે કેવા પગલાં નિયમો રચવા જોઈએ તે પણ ડેલીગેટ સાથે ચર્ચા કરવામાં આવશે...મોના ખંધાર(G20 નોડલ ઓફિસર)
નાણાકીય ક્ષેત્રે 2 બેઠકો યોજાશે : G20 અંતર્ગત રાજ્યના નોડલ ઓફિસર મોના ખંધારે જણાવ્યું હતું કે ગાંધીનગર જુલાઈ મહિનામાં બે ફાઇનાન્સ ટ્રેક મીટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરમાંથી 300 થી વધુ ડેલીગેટ આ બેઠકમાં હાજર રહશે, ફાઇનાન્સની બેઠકમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુએસએ, ફ્રાન્સ, ચીન, ઇટાલી, યુકે, જર્મની, જાપાન, સાઉદી અરેબિયા, આર્જેન્ટિના, સ્પેન, ઓસ્ટ્રેલિયા, રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોના ગવર્નરો, ડેપ્યુટી ગવર્નરો, પ્રધાનો અને નાણાકીય સંસ્થાઓના વડાઓનો હાજર રહેશે.
વર્કિંગ ગ્રુપ મીટિંગ : મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે 3જી ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ વર્કિંગ ગ્રૂપ મીટિંગ ગાંધીનગરમાં 14 જુલાઈ 2023ના રોજ શરૂ થશે. મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંકો (MDBs) ને મજબૂત કરવા માટે G20 એક્સપર્ટ ગ્રુપના અહેવાલ પર ચર્ચા કરવા માટે G20 રાઉન્ડ ટેબલ યોજવામાં આવશે. બેઠકમાં ‘થર્ડ-પાર્ટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક સહિત બિગટેક અને ફિનટેકને લગતા નીતિ વિષયક મુદ્દાઓ’ પર ચર્ચાનું વર્કિંગ ગ્રૂપ 14મી અને 15મી જુલાઈએ G20 ટેબલ માટે રજૂ કરવામાં આવનાર કોમ્યુનિકેશનનો મુસદ્દો તૈયાર કરાશે.