ગાંધીનગર : ઊર્જા ક્ષેત્રની મોટી કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં 3500 કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ અંગે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ - એમઓયુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતાં. સરકાર વતી ઊર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્મા તથા શેલ એનર્જી વતી મેનેજિંગ ડિરેક્ટર રાહુલ સિંઘે એમઓયુ પર હસ્તાક્ષર કરીને પરસ્પર આદાન-પ્રદાન કર્યું હતું.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી : જાન્યુઆરી 2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણીમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરવાના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા શ્રેણીબદ્ધ આયોજનમાં આ પણ કડીરુપ એમઓયુ છે.
રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે. ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે...ભૂપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન)
વિવિધ ઉદ્યોગો સાથે MoU : ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ દેશવિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ - 2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમના ચોથા તબક્કામાં ઉદ્યોગ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 23 ઓગસ્ટ બુધવારે એક MoU કરવામાં આવ્યું હતું.
1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન પ્લાન્ટ : શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ MoU અન્વયે 2200 કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવત: 2026 સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે.
શેલ એનર્જી છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં વ્યવસાય કારોબાર વિસ્તારી શકી છે તેના મૂળમાં સરકારની ઉદ્યોગો માટેની પ્રોત્સાહક એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે. ગુજરાત રિન્યુઅલ એનર્જી સેક્ટરમાં દેશમાં લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલીસીઝ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝને કારણે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે... નિતીન પ્રસાદ(શેલ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન)