ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટિશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપના સભ્યોની મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી. આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ યુકે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે. તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત બ્રિટીશ પાર્લામેન્ટ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કયા સભ્યોનું બનેલું છે ગ્રુપ : સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેનારા આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપમાં બ્રિટીશ પાર્લામેન્ટના કોન્ઝરવેટીવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેંચના મળીને કુલ 8 મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોનું ભૂપેન્દ્ર પટેલે ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને પીએમ મોદીની ભૂમિ ગુજરાતમાં આ ડેલિગેશનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું.
આ પણ વાંચો Rising Air Fares: હવે હવાઈ મુસાફરી થશે સસ્તી? ખાનગી એરલાઈન્સોની મહત્વની બેઠક
ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર : ડેલિગેશન સાથેની બેઠક દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલના સમયમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ કઇ રીતે બન્યું છે તેની વિશદ ભૂમિકા સમજાવી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપને કારણે દેશવિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે.
ગુજરાત ગ્લોબલ ગેટ વે બનવા અંગે ડેલિગેશને મત વ્યક્ત કર્યો ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના તમામ સભ્યો સમક્ષ કરી હતી. તેમણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ મળતાં રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે અને અન્ય કયાંય જતા નથી.
આ પણ વાંચો Boris Johnson Gujarat Visit: બ્રિટિશ પીએમ બોરિસ જ્હોનસને ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં 2 કલાક શું જોયું અને જાણ્યું?
ડેલિગેશને રસ દાખવ્યો : બ્રિટિશ પાર્લામેન્ટ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સભ્યોને સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં 15 ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠક દરમ્યાન બ્રિટીશ પાર્લામેન્ટના આ ઓલ પાર્ટી ડેલિગેશનના સદસ્ય સાંસદોએ ખાસ કરીને સોલાર રૂફટોપ, ગ્રીન ગ્રોથ, વેસ્ટ ટુ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ સહિત ગુજરાતમાં ઉદ્યોગો માટે કન્ડ્યુસીવ એટમોસ્ફિયર વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે મત દર્શાવ્યો હતો કે ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી ગુજરાત ગ્લોબલ ગેટ વે બની શકે તેમ છે.
યુકેની યુનિવર્સિટીનો સહકાર યાદ કર્યો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ પાર્લામેન્ટ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના સભ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC, વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથે ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની વર્લ્ડકલાસ સુવિધાઓ અને સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝની વિશેષતાથી પણ આ ડેલિગેશનને માહિતગાર કર્યુ હતું. તેમણે આ અંગે વધુમાં ઉમેર્યુ કે, ગિફટ સિટી નજીક ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી યુકેની યુનિવર્સિટી ઓફ એડનબર્ગ સાથેના સહયોગથી આકાર પામી છે. ભૂપેન્દ્ર પટેલે યુકેની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝ પણ ગિફટ સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કરે તેવો અનુરોધ કર્યો હતો.
પરામર્શમાં સહભાગી : આજના ગુજરાતની મજબૂત ઝાંખી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આકાર પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું આમંત્રણ પણ ડેલિગેશનને આપવામાં આવ્યું હતું. નાણાં અને ઊર્જાપ્રધાન કનુ દેસાઇ, ઉદ્યોગ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, ઉદ્યોગ કમિશનર સંદિપ સાંગલે, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. ગૌરાંગ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચર્ચા પરામર્શમાં સહભાગી થયા હતાં.