ગાંધીનગર : અમદાવાદની 146મી રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ મોસાળમાં જઈને પરત નિજ મંદિર ફરી રહ્યાં હતા ત્યારે જ દરિયાપુર વિસ્તારમાં પોતાના નિવાસસ્થાનની ગેલેરીમાંથી રથના દર્શન કરવા માટે ભાવિક ભક્તો રાહ જોઈ રહ્યા હતાં. જેમાં સૌથી ઉપરના માળની ગેલેરી તૂટી પડતા નીચે રસ્તા ઉપર ઉભેલા એક દર્શનાર્થી ઉપર કાટમાળ પડ્યો હતો. ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
37 ઇજાગ્રસ્ત, એક મૃત્યુ : દરિયાપુરમાં બપોરના સમયે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ નિજ મંદિર પરત ફરી રહ્યા હતા ત્યારે રથયાત્રાના માર્ગ પર આવેલ એક બિલ્ડીંગની છત ધરાશાયી થઈ હતી. જેના કારણે રસ્તા ઉપર ઉભેલા લોકો ઉપર કાટમાળ પડ્યો હતો. આ ઘટનામાં 41 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને 37 લોકો ઇજાગ્રસ્ત અને 2 દર્દીઓ હજુ ગંભીર છે.
મુખ્યપ્રધાને ટ્વીટ કર્યું:ત્યારે આ સમગ્ર ઘટના મામલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે રથયાત્રાના રુટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું અને ઇજાગ્રસ્તો પણ સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. ઉપરાંત રાજ્ય સરકાર મૃતકના પરિવારજનોને 4,00,000 તેમજ ઇજાગ્રસ્તને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
ભગવાન જગન્નાથ ગર્ભગૃહમાં બિરાજમાન : રથયાત્રામાં નગરના ભ્રમણમાં ભક્તોને દર્શન આપ્યાં બાદ ભગવાન જગન્નાથ રાત્રે 8:30 કલાકની આસપાસની જ મંદિર પરિસરમાં રથ પર પરત ફર્યા હતાં. ત્યારબાદ ભગવાનને આખી રાત રથમાં જ રાખવામાં આવ્યા હતાં અને આજે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની નજર ઉતારવાની પરંપરાગત વિધિ કરવામાં આવી હતી. જે પૂર્ણ કર્યા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મંદિરના ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા હતાં. જે સાથે અમદાવાદની 146મી રથયાત્રા અકસ્માતની આ એકમાત્ર ઘટના સિવાય સુરક્ષિતપણે પૂર્ણ થઇ ચૂકી છે.
- Roof collapsed In Rath Yatra Route: રથયાત્રાના રૂટ પર છત ધરાશાયી થતાં એક યુવાનનું મોત
- Rathyatra 2023 : ઇસ્કોન મંદિરેથી નીકળી ભગવાન જગન્નાથની બાળ રથયાત્રા
- Rathyatra 2023 : વલસાડ, વાપી સહિત દમણમાં ભગવાન જગન્નાથએ કરી નગરચર્યા