ગાંધીનગર : ગાંધીનગરમાંથી સરકાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ વે 3 મીટર પહોળો કરવા સાથેે નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.
ગિરનારના વિકાસ સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી તેમણે આપી છે. પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની દરખાસ્તો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના નાના મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.