Gandhinagar News : કૃષિ રાહત પેકેજને લઇને ખેડૂતોના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરતી સરકાર
ગુજરાતમાં કમોસમી વરસાદને લઇને મોટાભાગના વિસ્તારોમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. ત્યારે શિયાળુ પાક માટેની કૃષિ સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી તરફ હાલમાં પડી રહેલા કમોસમી વરસાદમાં ખેતીના નુકસાનનો સર્વે પણ યોજવામાં આવી રહ્યો છે ત્યારે કૃષિ રાહત પેકેજને લઇને ખેડૂતોના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
Gandhinagar News : કૃષિ રાહત પેકેજને લઇને ખેડૂતોના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરતી સરકાર
By
Published : May 5, 2023, 10:17 PM IST
|
Updated : May 6, 2023, 8:02 PM IST
ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાને કમોસમી વરસાદમાં થયેલા ખેતીના નુકસાન મામલે મહત્ત્વનો નિર્ણય જાહેર કરી દીધેલો છે. જે અન્વયે કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે જાહેર કરાયેલ વિશેષ રાહત પેકેજ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોએ નિયત નમૂના પ્રમાણેની અરજી તાલુકા વિકાસ અધિકારીને સોંપવાની રહેશે. આ અરજી મુદ્દે કોઈ મુશ્કેલી સર્જાય તેમ હોય તો વિસ્તરણ અધિકારી ખેતી અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધીને નિરાકરણ લાવી શકાશે.
સરકારે જાહેર કરી માર્ગદર્શિકા : ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર બહાર પડાયેલી માર્ગદર્શિકા વિશે જણાવીએ તો રાજયમાં માર્ચ 2023 માસમાં વરસેલા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે ગુજરાત સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરાયું છે. આ વિશેષ રાહત પેકેજનો લાભ લાભ કઇ રીતે લેવો તેના માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખેતી તથા બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તે જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે. આ સાથે વિશેષ રાહત પેકેજ માર્ગદર્શિકામાં જણાવાયાં પ્રમાણે ખાતાદીઠ ગામ નમૂના નં-8/અ મુજબ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં જ મળવાપાત્ર થશે એવી માહિતી ખેતી નિયામક દ્વારા આપવામાં આવેલી યાદીમાં જણાવાયું છે.
અરજી સાથે ભરવાની વિગતો : ગુજરાત સરકારે આપેલી માહિતી અનુસાર વધુમાં પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના - વાંધા અંગેનો સંમંતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં નામ જરુરી : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકશાની સર્વેમાં 33 ટકાથી વધુ નુકશાન જણાવાયું હોય તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં હોવા જરુરી છે. આ રીતે સમાવેશ થયેલા હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ વિશેષ રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોએ આ વિશેષ રાહત પેકેજનો લાભ લેવા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.
અરજી માટે સમસ્યા હોય તો આ રીતે ઉકેલાશે : આ ઉપરાંત તાલુકા કક્ષાએ ગામ દીઠ પાક નુકસાની સર્વેની યાદી વિસ્તરણ અધિકારી ખેતી દ્વારા નિભાવવાની રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું છે. વિશેષ રાહત પેકેજનો લાભ લેવા માટેની અરજી બાબતે જો કોઈપણ પ્રકારનો પ્રશ્ન સામે આવતો ોય તો ખેડૂતોએ વિસ્તરણ અધિકારી ખેતી તેમ જ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરીને અરજીની વિગતોની ખરાઇ વગેરે પૂર્ણ કરવાના રહેશે એમ ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે જણાવાયું છે.