ગાંધીનગર : સરકાર કાયદાઓ બનાવે છે પણ કાયદો તોડનાર ગમે તે રીતે કાયદાને તોડવા માટેના પ્રયાસો હંમેશા કરતા જોવા મળે છે. જે દવાઓ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ મળવી જોઈએ તેવી દવાઓ મેડિકલ સ્ટોર સંચાલકો ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચતા હોવાનું સરકારને ધ્યાનમાં આવ્યું હતું. જે માટે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત રેઇડ પડવાનું કામ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં 1284 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેેન્ડ કરવામાં આવ્યા છે.
છેલ્લા 5 વર્ષની વિગતો : આ અંગેની આંકડાકીય માહિતીઓ જોઇએ તો વર્ષ 2017માં 644 રેઇડ પાડવામાં આવી હતી તેમાં કાર્યવાહી કરતાં 194 મેડિકલ લાયસન્સ સસ્પેન્ડ અને 4 મેડિકલ લાયસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2018માં 1019 રેઇડ,459 મેડિકલ લાયસન્સ સસ્પેન્ડ અને 37 મેડિકલ લાયસન્સ રદ થયાં છે. વર્ષ 2019માં આ આંકડો 841 રેઇડ, 342 મેડિકલ લાયસન્સ સસ્પેન્ડ અને 42 મેડિકલ લાયસન્સ રદ કરવાનો છે.વર્ષ 2020માં 452 રેઇડ, 124 મેડિકલ લાયસન્સ સસ્પેન્ડ અને 16 મેડિકલ લાયસન્સ રદ થયાં હતાં જ્યારે વર્ષ 2021માં 659 રેઇડ, 165 મેડિકલ લાયસન્સ સસ્પેન્ડ થયાં છે અને 20 મેડિકલ લાયસન્સ રદ કરી દેવાયાં છે.
આ પણ વાંચો પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર પર પોલીસના દરોડા
પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનું વેચાણ : રાજ્યની મેડિકલ સ્ટોરમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાનું વેચાણ કરવો ગુનો છે. જ્યારે ગુજરાતમાં પોલીસની કડક કાર્યવાહી હોય અને દારૂના બંધાણીઓ દારૂ ન મળે તો ક્લોરેક્ષ અથવા તો ઊંઘની ગોળીઓનો સહારો મેળવતા હોય છે. ત્યારે આવી ખોટી રીતે દવાઓનું વેચાણ કરતા ડ્રગિસ્ટ પર સરકારે તવાઇ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કફ સીરપની દવાઓમાં કોડીન નામનું કન્ટેન્ટ આવે છે. ઊંઘની ટેબ્લેટમાં આલ્પ્રાઝોલમ નામનું તત્વ હોય છે જેના વધુ પડતા સેવનથી પણ નશો થાય છે. ત્યારે ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે છેલ્લા 5 વર્ષમાં રૂ. 48.94 લાખની ગેરકાયદે વેચાતી શિરપ અને ઊંઘની ટેબ્લેટ પકડી છે.
48.94 લાખનો મુદ્દામાલ જપ્ત :આ બાબતે એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓનું વેચાણ કરવું ગુનો છે. ત્યારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરફથી અલગ અલગ જિલ્લામાં રેઇડ પડવામાં આવે છે. જેમાં ગેરકાયદેસર રીતે ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર વિરુદ્ધ પગલા ભર્યા છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં 119 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કર્યા છે. કાર્યવાહીમાં જપ્ત થયેલા મુદ્દામાલના આંકડા જોઇએ તો વર્ષ 2017માં રૂ. 1.08 લાખ, વર્ષ 2018માં રૂ. 0.65 લાખ, વર્ષ 2019માં રૂ. 4.37 લાખ, વર્ષ 2020માં રૂ. 41.09 લાખ , વર્ષ 2021માં રૂ. 1.16 લાખ અને વર્ષ 2022માં રૂ. 0.59 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે.
આ પણ વાંચો ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત સીરપ, દવાઓનું વેચાણ અટકાવવા સુરત પોલીસ એક્શનમાં
દવાના સ્ટોકનો રાખવો પડે છે હિસાબ :રાજ્ય સરકાર વિભાગ દ્વારા જે રીતે રેઇડ પાડવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મેડિકલ પરીક્ષાના નિયમ અનુસાર અમદાવાદ મેડિકલ એસોસિએશન પ્રમુખ જયવન પટેલે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ લોકો ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરતા નથી. પરંતુ બે ટકા જેટલા મેડિકલ સ્ટોરમાં આવો ધંધો કરતા હતાં. પરંતુ હવે સરકારના નિયમ પ્રમાણે ક્લોરેક્સ અને ઊંઘની દવાઓના આવકજાવકનું પત્રક રાખવું પડે છે. જ્યારે ઓનલાઈન વેચાણ થતી આવી પ્રિસ્ક્રાઇબ્ડ દવાઓનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.