શ્રદ્ધાદીપ લેબોરેટરી માત્ર રૂપિયા પડાવવા ભ્રષ્ટાચાર આચરી રહી છે: મેડીકલ ઓફિસર - Ghandhinagr news
કોરોના ટેસ્ટિંગમાં ગોટાળા થયો હોવાની શંકાના આધારે ગાંધીનગર મહાનગર પાલિકાએ સેક્ટર-16 સ્થિત શ્રદ્ધાદીપ લેબોરેટરીને નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે.
ગાંધીનગર: કોરોના ટેસ્ટિંગમાં ગોટાળા થયો હોવાની શંકાના આધારે ગાંધીનગર મહાનગર પાલિકાએ સેક્ટર-16 સ્થિત શ્રદ્ધાદીપ લેબોરેટરીને નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ માંગ્યો છે. નોટિસમાં આકરા શબ્દોમાં મનપા હેલ્થ ઓફિસરે લખ્યું છે કે, ‘માત્ર રૂપિયા પડાવવા આપની લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરી કોઈપણ કાળજી વગર સરકારની જાણ બહાર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે. આ એક અતિગંભીર બાબત છે. જો આ અંગે 5 દિવસમાં જવાબ નહીં મળે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સેક્ટર-24માં રહેતાં મહિલાના મોત બાદ પરિવારે ગંભીર આક્ષેપો સાથે સે-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ કાઉન્સિલર અંકિત બારોટે પણ આ મુદ્દે મનપા, મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતાને રજૂઆત કરી હતી. જેને પગલે રજૂઆતના 15 દિવસ બાદ દોડતા થયેલા તંત્રએ આખરે લેબોરેટરીને આકરા શબ્દોમાં નોટિસ આપી હતી. સેક્ટર-24 શિવમ ફ્લેટ ખાતે રહેતાં 56 વર્ષીય અલકા સુરેશ રાવલ (એમ-11/131)નું 31 જુલાઈના રોજ મોત થયું હતું. તેઓની તબિયત ખરાબ થતાં 27 જુલાઈના રોજ તેમનો કોવિડ ટેસ્ટ સે-16 ખાતે આવેલા શ્રદ્ધાદીપ લેબોરેટરીમાં કરાવ્યો હતો. જેમાં ગોટાળા કરાયા હોવાની શંકા સાથે મૃતકના પુત્રો જિગ્નેશ તથા મેહુલ રાવલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.