ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર મહાપાલિકામાં પેથાપુર પાલિકા, 18 ગામડાંનો સમાવેશ કરાયો - ગાંધીનગર

કોરોનાની મહામારીમાં વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકની હદ વધારવા જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરી વિકાસ વિભાગના જાહેરનાથી ગાંધીનગર મનપા વિસ્તાર વધારામાં પેથાપુર નગરપાલિકા વિસ્તાર, શહેર ફરતે આવેલા 18 ગામ અને અન્ય 7 ગામોના સર્વે નંબરો સમાવવામાં આવ્યા છે. વર્ષ 2011માં સરકારે સે-1થી 30 સેક્ટર અને 7 ગામોને સમાવતું કોર્પોરેશન ગાંધીનગરને આપ્યું હતું.

ગાંધીનગર મહાપાલિકામાં પેથાપુર પાલિકા, 18 ગામડાંનો સમાવેશ કરાયો
ગાંધીનગર મહાપાલિકામાં પેથાપુર પાલિકા, 18 ગામડાંનો સમાવેશ કરાયો

By

Published : Jun 18, 2020, 9:04 PM IST

ગાંધીનગરઃ હવે શહેરની બહાર વસતી અને વધતાં વિસ્તારને પણ કોર્પોરેશનમાં સમાવી લેવાયાં છે. આ અંગે મેયર રીટાબેન પટેલે કહ્યું હતું કે,‘મહાપાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવેલા નવા વિસ્તારોના વિકાસ માટે મહાપાલિકા તંત્ર કટિબદ્ધ છે, જ્યાં પાટનગર જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાપન, રસ્તા, સ્ટ્રીટલાઇટ, સિટી સર્વેલન્સની સુરક્ષા અને જરૂરી સેવા સંસાધનનો સમાવેશ કરાશે.’

ગાંધીનગર મહાપાલિકામાં પેથાપુર પાલિકા, 18 ગામડાંનો સમાવેશ કરાયો
પેથાપુર નગરપાલિકા, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજા ગ્રામ પંચાયતો, તારાપુરા અને ઉવારસદની ટીપી નં-9નો વિસ્તાર, ધોળાકુવામાં ગુડાની ટીપી નંબર 4, 5 અને 6ના રેવન્યુ સર્વે નંબરો, ઇન્દ્રોડામાં ટીપી નંબર 5નો વિસ્તાર, લવારપુર, શાહપુરની ટીપી નંબર 25નો રેવન્યુ વિસ્તાર તથા બાસણ ગામના ગુડા વિસ્તારના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાયો છે.હાલ ગાંધીનગર કોર્પોરેશનમાં 45 હજાર જેટલા રહેણાંક અને દસ હજાર કોમર્શિયલ મિલકતો છે. જે હવે વિસ્તાર વધવાની સાથે ત્રણ ગણી થઈ ગઈ છે. કોર્પોરેશનનો વિસ્તાર 5732 હેક્ટરથી વધીને 19 હજાર હેક્ટરથી વધુ થઈ ગયો છે. અગાઉ મનપા વિસ્તારમાં 2.75 લાખ વસ્તી હતી, જેમાં અંદાજે 2.25 લાખની વસ્તીનો ઉમેરો થયો છે. જેને પગલે કોર્પોરેશન તંત્રની જવાબદારી સાથે ટેક્સ અને વેરાની આવકમાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details