- ગાંધીનગરમાં કોરોનાનો કાળો કહેર
- સ્મશાનમાં લાગી લાઈનો
- છેલ્લાં 18 દિવસમાં 166 દર્દીઓએ કોરોનાથી દમ તોડ્યો
- સેકટર 30 સ્મશાન ગૃહમાં 166 બોડીને આપ્યા અગ્નિદાહ
ગાંધીનગર : ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની પરિસ્થિતિમાં હવે દિવસે ને દિવસે સુધારાની જગ્યાએ પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં 18 દિવસની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ 166 દર્દીઓએ કોનાથી મૃત્યુ પામ્યા છે. જ્યારે ગાંધીનગરના કોવિડ સ્મશાનોમાં પણ એક પછી એક કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહ આવી રહ્યા છે.
સ્થાનિક તંત્ર છુપાવી રહ્યા છે મરણના આંકડા
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાથી છેલ્લા 18 દિવસમાં 166 જેટલા દર્દીઓ મોતને ભેટ્યા છે. ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની અખબારી યાદીમાં ગાંધીનગરમાં મૃત્યુ 12 અથવા તો એક પણ મૃત્યુ દર્શાવવામાં આવતા નથી. જ્યારે સ્મશાનમાં જે રીતની વિગતો સામે આવી રહી છે તેને ધ્યાનમાં લઈએ તો છેલ્લા 18 દિવસમાં 166 જેટલા દર્દીઓને સેકટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યા છે. ત્યારે અનેક પ્રશ્ન સ્થાનિક તંત્ર ઉપર પણ ઊભા થાય છે, શું સ્થાનિક તંત્ર આંકડા છુપાવી રહ્યા છે ?
સ્મશાન ગૃહમાં સતત આવી રહ્યા છે એક પછી એક મૃતદેહ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો સેકટર 30ના સ્મશાન ગૃહમાં એક કોરોના ગ્રસ્ત મૃતદેહ બાદ બીજા મૃતદેહો સતત આવી રહ્યા છે. છેલ્લા 16 થી 18 દિવસની અંદર કુલ 166 જેટલા દર્દીઓને અગ્નિદાહ આપ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.