ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના 201 કેસ નોંધાયા છે. શહેરમાં કેસની સંખ્યામાં અંશતઃ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કેસ સામે આવી રહ્યાં છે.
આજે પાટનગરની પાસે આવેલા કોલવડામાં 12 વર્ષનો બાળક પોઝિટિવ આવ્યો છે. જ્યારે દહેગામ શહેરમાં પણ પહેલો કેસ નોંધાયો છે. 55 વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યા પહેલા જ મોતને ભેટી ચૂકી છે. જ્યારે કલોલમાં બે કેસ સામે આવ્યાં છે.
દહેગામ શહેરમાં આજે પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. લુહાર ચકલામાં રહેતા 55 વર્ષીય મહિલા પોઝિટિવ આવ્યાં છે. આ મહિલા તલોદમાં એક શોકસભામાં ગયા બાદ પોઝિટિવ આવ્યાં હતાં, આ સાથે જ થોડા દિવસો અગાઉ નરોડાથી મહિલાના સગા દહેગામ આવ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે. રિપોર્ટ આવ્યા પહેલા જ આજે સવારે મહિલાનું મોત નિપજ્યું હતું.
દહેગામ તાલુકાના ચેખલા પગી ગામમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ઇન્દિરાનગરમાં રહેતા 48 વર્ષીય પુરુષ જે શાકભાજીના વેપારી છે, તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કલોલ શહેરમાં નવજીવનની ચાલીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા અને કલ્યાણપુરાની જીવન પ્રકાશ સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગાંધીનગર પાસે આવેલા કોલવડા ગામમાં ચોસઠ જોગણી માતાના મંદિર સામેના વાસમાં એક 12 વર્ષીય બાળક પોઝિટિવ આવ્યો છે.
ગઈકાલે આજ વાસમાં રહેતા 39 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યા હતાં. આ કેસને લઈને આરોગ્ય વિભાગ પણ મૂંઝવણ અનુભવી રહી છે. કારણ કે આ બાળક કેવી રીતે પોઝિટિવ આવ્યો તેની હિસ્ટ્રી મળતી નથી, પરંતુ કેટલાક બાળકો આ શેરીમાં કેરમ રમતા હતા. તેની માહિતી મળી રહી છે. જ્યારે આ બાળકના માતા-પિતા પોઝિટિવ આવ્યા નથી.
બીજી તરફ માણસા તાલુકાના ભીમપુરાનો પોલીસ કર્મચારી જે અમદાવાદ કમિશનર કચેરીમાં ફરજ બજાવે છે, તે પોઝિટિવ આવ્યો છે. જોકે, આ કેસની ગણતરી અમદાવાદમાં કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આ કર્મચારી રાધેજાની શ્રીજી સોસાયટીમાં મકાન રાખ્યો હોવાથી ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.