ગાંધીનગર : અમદાવાદ ગાંધીનગર કોબા હાઇવે અકસ્માતનું સેન્ટર બની ગયો છે. મુખ્ય હાઈવે પર ફૂટપાથ બનાવી છે અને ગમે ત્યારે ગમે તે વાહનચાલક શોર્ટ કટ મેળવવા માટે રોંગ સાઈડ આવે છે ત્યારે આવી જ રીતે આજે વહેલી સવારે રોંગસાઈડે આવી રહેલા એક કારચાલકે પિતા પુત્ર અને પુત્રીને અડફેટે લીધા હતા જેમાં પિતાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે પુત્રપુત્રીને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમાં પુત્રીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને પુત્રની હાલત પણ ગંભીર જણાવાઇ રહી છે.
ગુજરાત ભાજપ હેડ કવાટર્સ ખાતે અકસ્માત :આજે વહેલી સવારે રાયસણની આજુબાજુમાં રહેતા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેજલબેન પારેખ દંડકના ભાઈ ભાસ્કર પ્રવીણભાઈ પારેખ તેમની દીકરીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતાં. ત્યારે કમલમની પાસે રોંગ સાઈડમાં એક પૂરઝડપે આવી રહેલી ગાડીએ તેઓને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે જ ભાસ્કર પારેખનું મૃત્યુ થયું હતું. જ્યારે દીકરીને ભારે ઇજા થતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જોકે બપોરે આ ગંભીર ઇજાગ્રસ્ત પુત્રીનું પણ સારવાર દરમિયાન મોત નીપજતાં અકસ્માતમાં બેના મોત નોંધાયાં છે.
હાલમાં ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે ડ્રાઈવર પાસે લાયસન્સ હતું કે નહીં, કોની ગાડી હતી એ તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે...ઈન્ફોસિટી પોલીસ
લોકોએ રસ્તો બ્લોક કર્યો: વહેલી સવારે ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને લગભગ સવારના 10:30 કલાક સુધી લોકોની ભીડ ઘટના સ્થળે જોવા મળી હતી. ઇન્ફોસિટી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મહત્વની વાત કરવામાં આવે તો આસપાસના લોકોએ ત્યાં રસ્તો રોકીને હાઇવે જામ કર્યો હતો અને જે જગ્યાએ અકસ્માત થયો છે ત્યાં સ્પીડ બ્રેકર મુકવાની પણ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર VVIP મુમેન્ટ હોવાને કારણે સ્પીડ બ્રેકર રાખવામાં નથી આવ્યા. ત્યારે આજે વહેલી સવારે પિતા પુત્ર અને દીકરી એકટીવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જ રોંગ સાઈડમાં આવી રહેલી કારે તેઓને ટક્કર મારી હતી. જેમાં પોલીસે હાલ કારચાલકની ધરપકડ કરી છે.