મળતી માહિતી મુજબ સાદરાથી શાહપુર સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી લઈને ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. પરંતુ ચેકપોસ્ટના અધિકારીઓ દ્વારા રેતી ભરીને જતા ટ્રેકટર અને ડમ્પર ચાલકો પાસેથી નિયમિત રીતે હપ્તો લેવામાં આવતો હતો. જેને લઈ ત્રાહિમામ પોકારી ગયેલા લીઝ માલિકો દ્વારા ગાંધીનગર ACB કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ મહિનાનો હપ્તો લેવા માટે ક્લાર્ક દ્વારા વારંવાર ફરીથી લઈને જતા ટ્રેક્ટર માલિકોને ફોન કરવામાં આવતો હતો.
ધણપ ચેકપોસ્ટ પર રેતીના ટ્રેકટર માલિક પાસેથી 16 હજારનો હપ્તો લેતા સુપરવાઇઝર અને કલાર્ક ઝડપાયા - રેતી ચોરી
ગાંધીનગરઃ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં રેતી ખનન માટેની લીઝ આપવામાં આવેલી છે. ત્યારે નદીમાંથી રેતી ભરીને જતા વાહનો પાસેથી મહિને હપ્તો લેતા કરાર આધારિત માઇન સુપરવાઈઝર અને નાકા ક્લાર્ક રૂપિયા 16 હજારનો હપ્તો લેતા ગાંધીનગર એસીબી દ્વારા રંગેહાથ ધણપ ચેકપોસ્ટ પાસે ઝડપી લીધા હતા.
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર આવેલા ધણપ ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા કરાર આધારિત માઇન સુપરવાઈઝર રોહિત દેસાઈ અને નાકા ક્લાર્ક પ્રહલાદ ચૌધરી મંગળવારે ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા હતા. જે દરમિયાન ટ્રેક્ટર માલિક નિયત પ્રમાણે રૂપિયા 16 હજાર લઈને ગયા હતા. ત્યારે કરાર આધારીત માઇન સુપરવાઈઝર દ્વારા 16 હજાર રૂપિયા લેવામાં આવતા ગાંધીનગર ACBના PI એચ. બી. ચાવડા અને PSI એસ.બી કુંપાવત અને તેમની ટીમ દ્વારા બંને કર્મચારીઓને રંગેહાથે ઝડપી લીધા હતા. આ બનાવની જાણ ખાન ખનીજ વિભાગના કર્મચારીઓને થતાં ફાફડાટ ફેલાઇ ગયો હતો. અને ભ્રષ્ટાચારીઓ હવે ચેતી જવું પડશે, તેવી ચર્ચા કરતા જોવા મળતા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મહુડી પાસે ચેકપોસ્ટ ઉપર લાચ લેતા ગાર્ડ અને ક્લાર્કને ઝડપી લેવામાં આવ્યો હતો.