ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉપર હુમલો કરનાર 5 લોકો ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજુર - જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય
ગાંધીનગરઃ ભાટ પાસે કોટેશ્વરની કરોડોની જમીન હડપ કરવા 4 શખ્સોએ ખોટું બાનાખત કર્યું હતું. જે મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ફરિયાદી ખેડૂતના પાડોશી અને જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય પર હુમલાની ઘટના બની હતી. જે મુદ્દે ઈન્ફોસિટી પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.
કોટેશ્વર પટેલવાસમાં રહેતા અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલ(60 વર્ષ) પર ઘટના બની હતી. જમીન બાબતે ચર્ચા માટે બોલાવીને 60 વર્ષિય ખેડૂત પર 7 શખ્સોએ તુ અમારા ઉપર ખોટી-ખોટી ફરિયાદ કરી હેરાન કરે છે કહીં ભાટ ટોલટેક્સ પાસે હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ લાકડીઓ લઈ તૂટી પડતા તેમને હાથે અને પગે ફ્રેક્ચર કર્યુ છે. જે કેસમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ સુધી ફરાર રહેલા આરોપીઓને ઇન્ફોસિટી પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.