ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના ડાલામથ્થાઓની ડણક હવે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સંભળાશે - gandhingar

ગાંધીનગરઃ રાજ્યમાં ગીરના સિંહને જોવા માટે મોટી સંખ્યામાં વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી પર્યટકો આવતા હોય છે. ગીરના સિંહે રાજ્યમાં ખાસ્સુ આકર્ષણ જમાવ્યું છે. જ્યારે વાઘ, સિંહ અને દીપડા સહિતના પ્રાણીઓ હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હવે રાજ્યના સાવજોની ડણક કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સંભળાશે. જ્યારે ગુજરાતને હિપોપોટેમસ, રીંછ, વ્હાઇટ બેંગાલ ટાઇગર સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 1, 2019, 2:36 AM IST

દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ 1 માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે.

ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગાર્ડન મૈસૂર આ પ્રાણીઓની સામે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 1 નર અને 1 માદા હિપોપોટેમસ, 1 નર અને 2 માદા ગોર, બ્લેક સ્વાનની 1 જોડી તેમજ 1 નર રેડ નેક્ડ વૉલબી જેવા વન્ય પ્રાણીઓ આપશે. સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહની 1 જોડી, ડોમિસાઇલ ક્રૅન અને રોઝી પૅલિકેનની 1-1 જોડી, ઝીબ્રા ફ્રીન્ચની બે જોડી, બાર્કિંગ ડિઅરની 1 જોડી તેમજ થામીન ડિઅરની 1 જોડી, સ્પુનબિલની 1 જોડી, ચિંકારાની બે જોડી આંધ્રપ્રદેશમાં તિરૂપતિના એસ.વી. ઝુઓલોજિકલ પાર્કને એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ તહેત આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશનું આ એસ. વી. ઝુઓલોજિકલ પાર્ક તેને મળનારા ગુજરાતના વન્ય પ્રાણીઓ સામે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જૅકલની 1 જોડી, સ્લૉથ બેઅરની 1 જોડી, ઇન્ડિયન ગોરની 1 જોડી તેમજ 1 નર બેંગાલ વ્હાઇટ ટાઇગર અને પોર્ક્યૂપાઇનની 1 જોડી આપશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામને પરિણામે જે તે રાજ્ય પોતાના રાજ્યની વન્ય પ્રાણી સૃષ્ટિનો વ્યાપ અન્ય રાજ્યોમાં કરી શકે છે. એટલું જ નહીં, જે તે પ્રાણી સંગ્રહાલયને વધુ પ્રાણી સમૃદ્ધ બનાવી શકે છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર આવા ઝૂ બને છે.

ABOUT THE AUTHOR

...view details