ગાંધીનગર: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચૂકવણી પર બે ટકા વિશેષ વળતર આપવામાં આવે છે. એડવાન્સ ટેક્સની ચૂકવણી પર અપાતું આ વળતર મેળવવા માટે નાગરિકો પ્રયાસ કરે છે, પરંતુ વેબસાઈટ જ ઠપ હોવાના કારણે ટેક્સ ભરી શકાતો નથી. નગરજનો પાસેથી એડવાન્સ ટેક્સ વસૂલવા માટે અભિયાન શરૂ કરનારું મ્યુનિસિપલ તંત્ર હજુ સુધી તેમને બિલો પણ પહોંચાડી શક્યું નથી. મહા નગરપાલિકા નાગરિકોને 37 ટકા ટેક્સ રાહત આપવાની વાતો કરી રહી છે, પરંતુ ઓનલાઈન વેબસાઈટ ખુલતી નથી, ત્યારે કેવી રીતે રાહત મેળવશે.
GMCની નાગરિકોને ટેક્સ ચૂકવણીમાં 37 ટકા રાહતની મોટી જાહેરાત, પણ વેબસાઈટ જ ઠપ - પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચૂકવણી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની ઓનલાઈન ચૂકવણી પર બે ટકા વિશેષ વળતર આપવામાં આવે છે, પરંતુ ઓનલાઈન વેબસાઈટ ખુલતી નથી, ત્યારે નાગરિકો કેવી રીતે રાહત મેળવશે.
મ્યુનિસિપલ તંત્ર ખાડે ગયું હોવાનો આક્રોશ ગાંધીનગર શહેર વસાહત મહામંડળે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ હુંસાતુંસીમાં વ્યસ્ત છે, ત્યારે ઓનલાઈન ટેક્સ ચૂકવણીની સેવા ઠપ છે. ઓનલાઈન ચૂકવણી ન થતાં નગરજનોએ ઘરની બહાર નીકળીને મનપા કચેરી સુધી જવું પડે છે. નાગરિકોને મિલકતવેરો ભરવો છે, પરંતુ ઓનલાઈન જ બંધ છે. વળી, પ્રોપર્ટી ટેક્સના બિલો ન મળ્યા હોવાથી કેટલો વેરો ભરવાનો છે, તેની પણ સ્પષ્ટતા નથી. સામાન્ય નાગરિકો ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અગ્રણી વેપારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યાં છે.
મનપાએ ઓનલાઈન વેરા ચૂકવણી માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ આપી દીધો છે, પરંતુ નાગરિકો માટે આ સેવા નકામી બની છે. મનપામાં નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ જૂના વિસ્તારના પ્રશ્નો યથાવત છે. ખાસ કરીને મિલકત નામે કરવામાં હજુ વિલંબ થઈ રહ્યો છે. જૂની સમસ્યા ઉકેલવાના બદલે નવા વિસ્તારો ભેળવીને નાગરિકોની સમસ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમસ્યા યુદ્ધના ધોરણે ઉકેલવા વસાહત મહામંડળના અરૂણ બુચ, મયુર વ્યાસ, કિશોર જીકાદરા, કશ્યપ મહેતા, પ્રદિપ સોલંકીએ માગણી કરી છે.