ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : વિધાનસભાની 8 બેઠકો પર આજે મતદાન, જૂઓ બેઠકોનો ચિતાર... - election in gujarat

ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાંને કારણે ગુજરાત વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક ખાલી પડી હતી. જે બેઠક પર આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જોઈએ ઉપરોક્ત 8 બેઠક માટે મતદાનને લઈને તંત્રની તૈયારી, મતદારોની સંખ્યા અને સ્થાનિકોની સમસ્યા વિશે...

election
election

By

Published : Nov 2, 2020, 11:58 PM IST

  • ગુજરાતમાં પ્રતિષ્ઠાની પેટાચૂંટણી
  • વિધાનસભાની 8 બેઠકો પર આજે મતદાન


ન્યૂઝ ડેસ્ક: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી કચ્છની અબડાસા વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. પ્રચારમાં શરુઆતમાં જોવા મળેલી નીરસતાએ દિવસો વિતતા રંગ જામ્યો હતો. સ્ટાર પ્રચારકો અને નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા સતત લોકસંપર્ક કરતા જોવા મળ્યા હતા. ગુજરાતની પ્રથમ નંબરની અને સૌથી મોટો વિસ્તાર ધરાવતી વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.

અબડાસા બેઠકમાં 15 વખત ચૂંટણી યોજાઈ છે

બેઠકમાં કુલ 2,34,000 મતદારો છે

અબડાસાા વિધાનસભાના 2 લાખ 34 હજાર મતદાર પૈકી 62 હજાર જેટલા મુસ્લિમ મતદાર, 32 હજાર જેટલા અનુસૂચિત સમુદાયના મત, 30 થી 32 હજાર મત ક્ષત્રિય સમાજના અને તેટલા જ પટેલ સમુદાયના મત પણ મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે કોંગ્રેસની પરંપરાગત બેઠકમાં એક લાખ મત મળતા હોવાનું રાજકીય પંડિતો માને છે અને તેથી જ આ વખતે ત્રણ અપક્ષ ઉમેદવાર કોના મત તોડશે એ સમીકરણ અઘરું બની ગયું છે.

ચૂંટણી પ્રક્રિયા માટે 431 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈમાં આ વખતે ત્રણ મુસ્લિમ અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેથી મતદારો કોને તારશે અને કોને ડૂબાડશે એ તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.

ચૂંટણીના મુખ્ય મુદ્દા

આમ તો અબડાસા બેઠકમાં અનેક પ્રશ્નો છે, પરંતુ આરોગ્ય, શિક્ષણ, પાણી સહિતના માળખાગત સુવિધાના મુદ્દે લોકો નારાજ હોય છે. ભાજપ તેના પ્રચારમાં વિકાસના વિવિધ મુદ્દા આગળ ધરી રહી છે, તો કોંગ્રેસ સ્થાનિક સમસ્યાઓ અને ભાજપ સરકારની નિષ્ફળતાઓને મુદ્દે મતદારો સમક્ષ પહોંચ્યું હતું.

2012થી 2017 સુધીનો ઈતિહાસ


વર્ષ 2012માં કોંગ્રેસના છબીલ પટેલ 7614 મતથી ભાજપના જંયતિ ભાનુશાળી સામે જીત્યા હતા. તો 2014માં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 401 મતથી ભાજપના ઉમેદવાર છબીલ પટેલ સામે વિજેતા થયા હતા. આ પછી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતની સરસાઈથી ભાજપના ઉમેદવાર છબીલ પટેલ સામે જીત્યા હતા. 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર-જીતના પરિણામની મોટી અસર પડી હતી. કોંગ્રેસે આ બેઠક 2012, 2014 અને 2017માં જાળવી રાખવી પણ સામે ભાજપમાં આંતરિક જૂથબંધી એટલે સુધી વધી કે ભાજપના પૂર્વધારાસભ્ય જંયતિ ભાનુશાળીની હત્યા પણ થઇ છે. જેમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જેલવાસમાં છે. આ સ્થિતીમાં આ પેટા ચૂંટણીની લડાઈ ખૂબ રસપ્રદ બની છે.



ગુજરાત વિધાનસભાની મોરબી બેઠકની માહિતી

રાજ્યસભાની ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી છે. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. મોરબી બેઠકમાં 2002થી 2012 સુધી ભાજપની સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાદ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.


મોરબી વિધાનસભા બેઠકનો ટૂંકો ઈતિહાસ

મોરબી માળિયા વિધાનસભા બેઠક છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનો ગઢ હતી. ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયા ૫ ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા. જોકે પાટીદાર આંદોલન સહિતના કારણોને લીધે વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. જોકે અઢી વર્ષ બાદ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી મેદાનમાં મુખ્ય પક્ષ અને તેનો ઉમેદવારો

મોરબીની પેટા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતીભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

આ વખતની ચૂંટણીમાં મતદારોની કુલ સંખ્યા

પુરુષ મતદાતા - 1,41,857
મહિલા મતદાતા - 1,29,609
અન્ય મતદાતા – 01

આ વખતની ચૂંટણીમાં ઉમેરાયેલા નવા મતદાતાઓની સંખ્યા

૫૬૩૫ યુવા મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરશે

ઉમેદવારનો ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો


કોંગ્રેસે પક્ષ પલટાને મુદ્દો બનાવ્યો છે. તો ભાજપ વિકાસના મુદ્દે પેટા ચૂંટણી લડી રહી છે.

સ્થાનિકોના મુદ્દાઓ


સ્થાનિક મુદ્દાઓમાં મોરબીમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ જેવા પ્રશ્નો છે. તો લાતીપ્લોટ જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રાથમિક સુવીધાનો અભાવ મુખ્ય મુદ્દો છે. તે ઉપરાંત સિરામિક ઝોનમાં રોડ રસ્તા, પીવાના પાણી અને ગેસના ભાવો સહિતના મુદ્દાઓ ચૂંટણીમાં જોવા મળી શકે છે.

વિધાનસભા બેઠકની ખાસિયત અથવા વિશેષતા શું છે?

મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત શહેર છે. મોરબીમાં ઘડિયાળ, નળિયા, સિરામિક ઉપરાંત પેપરમિલ ઉદ્યોગ વિકસ્યા છે અને સિરામિક ટાઈલ્સ દુનિયાના ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે. જેના થકી સરકારને વિદેશી હુંડીયામણ રળી આપે છે. તો કરોડો રૂપિયાનો ટેક્સ પણ મોરબી ચુકવે છે. મોરબી તાલુકો માથાદીઠ આવકમાં પણ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અગ્રેસર જોવા મળે છે.


ગુજરાત વિધાનસભાની લીંબડી બેઠકની માહિતી

લીંબડી બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. જોકે આ બેઠક ઉપર ભાજપમાંથી સૌથી વધુ વખત કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચુકયા છે. 2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા. તો સૌથી ઓછી સરસાઈ 1561 મતની વર્ષ 2012માં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઇ પટેલ સામે મળી હતી.


લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોની સંખ્યા

આ વખતે યોજાનારી લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 420 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 2 લાખ 72 હજાર 81 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાતાઓમાં 1 લાખ 43 હજાર 853 પુરુષ મતદાતા, 1 લાખ 28 હજાર 194 મહિલા મતદાતા અને અન્ય 4 મતદારોનો સમાવેશ થાય છે. મતદાનને લઈને ચૂંટણી તંત્ર સજ્જ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પણ જરૂરી તકેદારી પુરી કરી લેવામાં આવી છે.

લીંબડી બેઠક માટે આ વખતે મુખ્ય જંગ ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે છે.

પ્રચારના મુખ્ય મુદ્દાઓ

વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસે ખેડૂત, અને પક્ષપલટુ ઉમેદવારને મુદ્દો બનાવી પ્રચાર કર્યો હતો. મતદારોની વાત કરવામાં આવે તો મતદારો માટે સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક સમસ્યા જેવા કે, રોડ- રસ્તા, પાણી સહિતના મુદ્દાઓ મહત્વના છે.


ગુજરાત વિધાનસભાની ગઢડા બેઠકની માહિતી

બોટાદ નવો જિલ્લો બન્યો તે પહેલાં બોટાદ સહિતના તમામ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકારે નવા જિલ્લાઓ બનાવવાની કરેલી જાહેરાત બાદ બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાઓનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો. જે હાલ બોટાદ જિલ્લા તરીકે ઓળખાય છે. બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે. આ કારમથી જ પેટા ચૂંટણીમાં પણ આ બન્ને જ્ઞાતિનું વર્ચસ્વ જોવા મળે છે.

ગઢડા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જેના લીધે ગઢડા આમ તો ભાજપ માટે વોટબેન્ક કહેવાય છે. પરંતુ આ બેઠક અનુસૂચિત જનજાતિના લોકો માટે હોઈ, આ બેઠક ઉપર હંમેશા બહારથી જ ઉમેદવારને ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવે છે. આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો, 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે અને 2 વખત કોંગ્રેસના પ્રવીણ મારૂ વિજેતા થયા છે.

આ વખતની પેટા ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપના આત્મારામ પરમાર અને કોંગ્રેસના મોહન સોલંકી વચ્ચે છે. 2107ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજેતા બન્યા હતા. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા હવે ફરી એકવાર ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

ગઢડા વિધાનસભા બેઠકના જ્ઞાતિ પ્રમાણે સમીકરણ

પટેલ મતદાતા - 53 હજાર 650
કોળી - 45 હજાર 680
ક્ષત્રિય - 9 હજાર 954
બ્રાહ્મણ- 5 હજાર 295
ભરવાડ - 11 હજાર 63
રાજપુત - 10 હજાર 936
આહિર - 7 હજાર 574
લઘુમતી - 17 હજાર 938
લુહાર-સુથાર - 5 હજાર 395
પ્રજાપતિ - 4 હજાર 950
દલિત - 11 હજાર 250
અન્ય- 4 હજાર 507

ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.


ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવું ગઢડા શહેર 'સ્વામીના ગઢડા' તરીકે પણ ઓળખાય છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા ગામ આમ તો પ્રવસીઓના લીધે તેનો રોજિંદો વ્યવહાર અને આર્થિક આવક મેળવે છે. પરંતુ અહીં કહી શકાય તેવો એક પણ ઉદ્યોગ નથી. માત્ર યાત્રાધામ તરીકે ગઢડા ઓળખાય છે અને અહીં આવતા પ્રવાસીઓના કારણે બજારોમાં રોનક જોવા મળે છે.

સ્થાનિક મુદ્દા

નેતાઓના પક્ષપલટાના કારણે અહીંના લોકોને પેટા ચૂંટણીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પણ અહીંના લોકોને પાયાની જરૂરિયાતના મુદ્દે પણ અસંતોષ રહ્યો છે. જેથી કોરોના કાળમાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં લોકોમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે અને જનતા કોને જીતાડશે એ તો ગણતરીના દિવસે જ ખબર પડશે.


ગુજરાત વિધાનસભાની ધારી બેઠકની માહિતી

વર્ષ 1962થી ધારીનો વિધાનસભા બેઠકની ચૂંટણીમાં સમાવેશ કરાયો હતો. આ બેઠક પર કુલ 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર માત્ર એક વખત જ મહિલા ઉમેદવારે દાવ ખેલ્યો હતો, પરંતુ તેમનો પરાજય થયો હતો.

વર્ષ 2012માં 94-ધારી બેઠકની ઓળખ મળી

શરૂઆતમાં ધારી બેઠક 38-ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46-ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94-ધારી બેઠકની ઓળખ મળી છે.

2007માં ભાજપના ઉમેદવારની જીત

વર્ષ 2007માં BJPના વિજેતા ઉમેદવાર બાલુભાઈ તંતી પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા. જેથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. આ સમયે ભાજપમાંથી મનસુખ ભુવાએ બાલુભાઈ તંતીને ટક્કર આપી હતી. આ ચૂંટણીના પરિણામમાં પક્ષ પલટો કરીને આવનારા બાલુભાઈ તંતીને 27,478 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર મનસુખ ભુવાએ 45,340 મત સાથે ભગવો લહેરાવ્યો હતો.

2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની જીત

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેશુબાપાએ GPP(ગુજરાત પરિવર્તન પાર્ટી)ની સ્થાપના કરી હતી. GPPએ ધારી બેઠર પર નલિન કોટડીયાને ટિકિટ આપી હતી. આ સમયે GPPને ટક્કટ આપવા માટે કોંગ્રેસે કોકિલા કાકડિયાને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં નલિન કોટડિયાને 41 હજાર 516 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોકિલા કાકડિયાને 39 હજાર 941 મત મળ્યા હતા અને GPPના ઉમેદવાર નલિન કોટડીયાનો વિજય થયો હતો. 2012માં આ બેઠક પરથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો.

2017માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે.વી. કાકડિયાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે દિલીપ સંઘાણી પર દાવો ખેલ્યો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર જે.વી.કાકડિયાને 66 હજાર 644 મત મળ્યા હતા, જ્યારે BJPના ઉમેદવાર દિલીપ સંઘાણીને 51 હજાર 308 મત મળ્યા હતા.

પેટા ચૂંટણીમાં અસર કરી શકે છે આ સ્થાનિક મુદ્દાઓ...

ધારી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં કેટલાંક મુદ્દાઓ ચૂંટણીને અસર કરી છે, જે આ પ્રમાણે છે.

કોંગ્રેસના ઉમેદવારનો પક્ષપલટાનો મુદ્દો

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનો આક્ષેપ '16 કરોડમાં ભાજપમાં વેચાયા ઉમેદવાર'

લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા આકરા દંડ અંગે પ્રજામાં રોષ

અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા નુકશાનને લઈને કરવામાં આવેલી જાહેરાતો ભાજપના ઉમેદવારને ફાયદો કરાવી શકે છે

રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓને લઈને મતદાતાઓમાં રોષ છે

કોરોના કાળમાં યોજાયેલી પેટા ચૂંટણી મતદાનની ટકાવારી પર અસર કરી શકે છે.


ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની માહિતી

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યા બાદ આ બેઠ ખાલી પડતાં અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અક્ષય પટેલે ભાજપના સતીશ પટેલને માત્ર 3 હજાર 564 મતથી પરાજય આપ્યો હતો. અક્ષય પટેલને 74 હજાર 87 મત અને સતીશ પટેલને 70 હજાર 523 મત મળ્યા હતા. હવે અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે અને કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર છે.

કરજણ બેઠક પર મતદારોની સંખ્યા

કરજણ વિધાનસભામાં કુલ 2.4 લાખ મતદારો છે. જેમાં 1 લાખ 4 હજાર 834 પુરુષ મતદાતા અને 99 હજાર 761 મહિલા મતદાતા છે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 311 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે. અહીં પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેના કારણે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી.

કરજણ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ પ્રમાણે મતદારોની સંખ્યા...
બ્રાહ્મણ -5 હજાર 404
શાહ - 3 હજાર 482
મુસ્લિમ - 25 હજાર 109
OBC - 23 હજાર 196
SC - 16 હજાર 614
ST - 45 હજાર 295
પટેલ - 43 હજાર 754
રાજપૂત - 28 હજાર 318
OBC રાજપૂત - 7 હજાર

કરજણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અક્ષય પટેલ છેલ્લા અઢી વર્ષથી કરજણના ધારાસભ્ય હતા. તેમ છતાં કરજણના રોડ રસ્તા સારા ના બનાવી શક્યા. કરજણ પોલીસ સ્ટેશન થી કરજણ બજાર સુધી જવાનો માર્ગ બિસ્માર બન્યો છે. વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

મહત્વની વાત છે કે કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલે એક સમયે ગાઢ મિત્રો હતા. પરંતુ સમય જતાં આજે તેઓ એકબીજાના કટ્ટર રાજકીય શત્રુ બન્યા છે. કિરીટસિંહ જાડેજાએ અક્ષય પટેલ પર મતદારો સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. સાથે જ કોંગ્રેસનો ઉમેદવાર 25 હજાર મતથી ચૂંટણી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો.


ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠકની માહિતી

ગુજરાત વિધાનસભાની ડાંગ બેઠક માટે આજે પેટા ચૂંટણી છે. આ બેઠક ઉપર 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા મંગળ ગાવીતે રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામું આપી દેતાં આ બેઠક ખાલી પડી છે.

વર્ષ 1975માં ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી

વર્ષ 1975મા ડાંગ- વાંસદા બેઠક અસ્તિત્વમાં આવી. ગુજરાત વિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની કુલ વસ્તીની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં હાલ 2001ની વસ્તીના આધારે 2006માં આરક્ષિત બેઠકો અંગેનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છે. જેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142, અનુસૂચિત જાતિની બેઠકો 13 જ્યારે અનુસૂચિત જનજાતિની( આદિવાસી) બેઠકો 27 છે.

ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતાર-ચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ- વાંસદા બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમ વાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં. હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પણ બે વખત ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે.

ડાંગ બેઠક કોંગ્રેસનો ગઢ

ડાંગ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે. ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમાદવાર મંગળ ગાવીતે રાજીનામું આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવીત વચ્ચે છે. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

મતદાકોની કુલ સંખ્યા

ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1 લાખ 78 હજાર 157 છે. જેમાં આહવા તાલુકામાં 75 હજાર 969, વઘઇમાં 52 હજાર 744 અને સુબિરમાં 4 હજાર 944 મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89 હજાર 405 જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 88 હજાર 749 છે. જ્યારે અન્ય 3 મતદારો છે.

ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ

ભાજપ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકારકાર્યો છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓમાં PG કોલેજ અને મજૂર વર્ગનું સ્થળાંતર અટકાવવાનાં પ્રયાસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારનાં ચૂંટનીનાં મુખ્ય મુદ્દાઓમાં સ્થાનિક રોજગારી ઉભી કરવી અને સારું શિક્ષણ એ મુખ્ય મુદ્દા છે.


ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકની માહિતી

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને વારલી સામાજના ઉપ્રમુખ બાબુ વરઠાને ટિકિટ આપી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહેલા પ્રકાશ પટેલ અને જયેન્દ્ર ગાવિત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 2020ની આ પેટા ચૂંટણીમાં કુલ 2 લાખ 45 હજાર 743 મતદારો છે. જેમાં 1 લાખ 24 હજાર 523 પુરૂષ મતદારો જ્યારે 1 લાખ 21 હજાર 216 મહિલા મતદારો સામેલ છે. 80 વર્ષથી વધુ ઉંમરના 4 હજાર 320 મતદારો અને 593 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

કપરાડા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ

કપરાડા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત 4 ટર્મથી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી જીતતા આવ્યા છે. ભૂતકાળની ચૂંટણી ઉપર નજર કરીએ તો, વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1 લાખ 85 હજાર 22 મતદારો પૈકી 1 લાખ 21 હજાર 547 મતાદાતાઓએ મતદાન કર્યું હતું. તે સમયે 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં તે સમયના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 57 હજાર 998 મત મળ્યા હતા. ભાજપના માધુભાઈ રાઉતને 32 હજાર 648 મત મળ્યા હતા.

2007 વિધાનસભા ચૂંટણીની સ્થિતિ

આ વખતે કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં જીતુભાઇ ચૌધરીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેને 63 હજાર 865 મત મળ્યા હતા અને વિજય થયા હતા. જ્યારે તેમના મુખ્ય પ્રતિદ્વંદ્વી ભાજપના બાબુભાઈ રાઉતને 46 હજાર 126 મત મળ્યા હતા.

2012 કપરાડા વિધાનસભા ચૂંટણીની સ્થિતિ

વર્ષ 2012માં 1 લાખ 73 હજાર 183 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પણ તે સમયના કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 85 હજાર 780 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર શંકરભાઈ પટેલને 67 હજાર 95 મત મળ્યા હતા. જ્યારે બસપાના દિનેશ નાયકને 4 હજાર 833 મત મળ્યા હતા. આમ, આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

2017માં કપરાડા વિધાનસભાની ચૂંટણી

વર્ષ 2017માંની ચૂંટણીમાં કુલ 1 લાખ 62 હજાર 862 લોકોએ મતદાન કર્યું હતું. જોમાં કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને 93 હજાર મત મળ્યા હતા અને તેમનો માત્ર 170 મતથી વિજય થયો હતો. આ વખતે 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં ભાજપના માધુભાઈ રાઉતને 92 હજાર 830 મત મળ્યા હતા.

આમ કપરકાડા બેઠક પરથી સતત 4 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે મતદારો પક્ષને મત આપે છે કે, વ્યક્તિને એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details