ગાંધીનગર: શિક્ષણ વિભાગની બેઠક બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની આ પ્રથમ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે નવા સત્રના શરૂઆત બાબતનું આયોજન તથા અન્ય શિક્ષણને લગતી કામગીરીને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. કોરાનાના સમય દરમિયાન પણ શિક્ષણ વિભાગે કરેલી કામગીરીની સમીક્ષા ફરીથી કરવામાં આવી હતી, જ્યારે આ કોરોના વેકેશન દરમિયાન અને હવે જ્યારે 15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજ બંધ રાખવાનું આયોજન કર્યું છે, તે માટેની સમીક્ષા અને ત્યારબાદ માટેના શાળા શરૂ કરવાના આયોજન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
લોકડાઉન બાદ શિક્ષણવિભાગની બેઠક મળી, નવા સત્ર અને આયોજન મુદ્દે કરાઈ ચર્ચા - કોવિડ 19
રાજ્યમાં લોકડાઉન અને કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હજુ શાળાઓ અને કોલેજની શરૂઆત કરવામાં આવી નથી. ત્યારે શનિવારના રોજ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને હેઠળ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી નવા સત્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં આર્થિક નુકસાન ભોગવવું પડયું છે. ત્યારે તમામ વિભાગમાંથી બજેટ કાપ મૂકવામાં આવી રહ્યો છે. શિક્ષણના બજેટમાં પણ કાપ મૂકાઈ તો કેવી જગ્યાએ કાપ મૂકવો તે અંગેની પણ પ્રાથમિક ચર્ચાઓ થઇ હોવાનું પણ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવ અને ટેકનિકલ શિક્ષણ સચિવ અંજુ શર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.