ગાંધીનગર: રાજ્યમાં એક તરફ લોકડાઉન અમલી છે. લોકડાઉનની આડમાં ખનીજ માફિયાઓ સાબરમતી નદીને મરેલાં પશુને ગીધ ચુંથતાં હોય તેમ ચુંથી રહ્યા છે. શુક્રવારે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ટીમ અંબોડ સાબરમતી નદીમાં ત્રાટકી હતી. જેમાં ખનીજ માફિયાઓના 8 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા હતા.
લોકડાઉન દરમિયાન સાબરમતી નદીમાંથી ખનન કરતા ભૂ-માફિયાઓના 8 ટ્રેકટર જપ્ત કરાયા - માણસા મામલતદાર કચેરી
લોકડાઉન દરમિયાન અંબોડ ખડાત પાસે સાબરમતી નદીમાં ખનન કરતા ભૂ-માફિયાઓના 8 ટ્રેકટર જપ્ત કરી લેવામાં આવ્યા છે. કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ભુમાફિયાઓને મોકળું મેદાન મળી ગયું હોય એમ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.
મહુડીથી સાદરા, સાદરાથી શાહપુર સુધી સાબરમતીના પટને ખનીજ માફિયાઓ દોહી રહ્યા છે. મોટાભાગનું તંત્ર કોરોના વાઈરસને નાથવામાં પડ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ સક્રિય થયા છે. ત્યારે અંબોડ ખડાત વચ્ચે સાબરમતી નદીમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ બાબતની માહિતી ગાંધીનગર ખાણ ખનીજ વિભાગના કલ્પેશભાઈ વ્યાસની ટીમને મળી હતી.
ખાણ ખનીજ વિભાગ દ્વારા ખડાત અને અંબોડ વિસ્તારમાં છાપો મારતા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા 8 ટ્રેક્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ ટ્રેકટરને માણસા મામલતદાર કચેરીએ લઈ જવાયા હતા. જ્યારે કુલ 48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ વાહનોને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.