ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજય બોર્ડર સીલ કરવામાં આવશે. આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવશે. રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જાય, તે માટે તમામ પ્રકારના માલ-વાહક વાહનો ટ્રાન્સપોર્ટ, કાર્ગો ચાલુ રહેશે. જ્યારે મેડીકલ સ્ટોર, કરિયાણાની દુકાનો, દુધ - શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, જરૂરી સરકારી સેવાઓ વગેરે આવશ્યક સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે. જ્યારે ટેક્ષી, કેબ, રિક્ષા, લકઝરી બસ, પબ્લિક ટ્રાન્સપોટેશન બંધ રહેશે.
આજથી 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાત લોક ડાઉન - શિવાનંદ ઝા
રાજ્યમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સરકાર હવે સફાળી જાગી ગઈ છે. ત્યારે સમગ્ર રાજ્ય આજે રાત્રે 12 વાગ્યાના ટકોરેથી 31 માર્ચ સુધી લોક ડાઉન રહેશે. જરૂરિયાતમંદ ચીજવસ્તુઓને બાદ કરતા જે લોકો રસ્તા પર ફરતા જોવા મળશે, તો તેમની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
લોકડાઉનના અસરકારક અમલીકરણ કરવા માટે અલગથી જે ફોર્સ ફાળવી છે. જેમા રાજ્યભરમાં SRPFની 6 કંપનીઓ ફાળવવામાં આવેલી છે. ઉપરાંત RAFની 4 કંપની ફાળવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
લોકડાઉના Quarantine સંદર્ભે હાલ સુધી લેવાયેલા કાયદેસરના પગલાની વિગત કલમ જાહેરનામાના ભંગ બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કવોરેન્ટિન કરેલા વ્યકિતઓ દ્વારા કાયદાના ભંગ બદલ 18 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી વાહનો ટુ વ્હીલર્સ-ફોર વ્હીલર્સની અવરજવર ઓછી કરવાના હેતુથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સમાં માત્ર બે વ્યકિત જ મુસાફરી કરી શકશે.