મળતી માહિતી મુજબ દહેગામ પાસે આવેલા લવાડ ગામમાં રહેતા 22 વર્ષીય નરેન્દ્રસિંહ મહોબતસિંહ ચૌહાણ ગત 16 સપ્ટેમ્બરના રોજ દહેગામમાં આવેલી આંબલીવાળી જગ્યાએ ડોક્ટર મનીષ પટેલને ત્યાં સામાન્ય તાવ અને શરદીની દવા લેવા માટે ગયા હતાં. તબીબ દ્વારા ડાબા પગના થાપા ઉપર ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. જે બાદ ઘરે જતા રહ્યા હતાં. પરંતુ, બીજા દિવસે 17 સપ્ટેમ્બરના રોજ શરીર ઉપર સોજા આવી ગયો હતો. જેને લઈને ફરીથી તબીબને ત્યાં બતાવવા માટે ગયા હતાં ત્યારે પણ તબીબ દ્વારા ટેબલેટ આપવામાં આવી હતી, પરંતુ, આરામ નહીં થતા પહેલાં દહેગામ સરકારી હોસ્પિટલ ત્યારબાદ ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ, ત્યાં પણ બીમારી દુર નહિં થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
દહેગામમાં ડોક્ટરની બેદરકારી, સમાધાન બાદ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો
ગાંધીનગર: દહેગામમાં આવેલા એક ખાનગી ક્લિનિકના ડોક્ટર દ્વારા બે દિવસ પહેલા એક દર્દીને સારવાર કરવામાં આવી હતી. જ્યાં ઇન્જેક્શન લગાવ્યા બાદ તેની તબિયત વધુ લથડતાં પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જેમાં ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરવાની માગ દહેગામ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. બે કલાક સુધી મૃતદેહ પોલીસ સ્ટેશન આગળ મૂકી રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમજૂતી બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
પિતા મહોબતસિંહ ચૌહાણે આક્ષેપ કર્યો કે, તેમના દીકરાનું મોત દહેગામના તબીબની બોગસ દવાના કારણે થયું છે. જેને લઇને તબીબ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી જોઈએ. બપોરના 12:00 કલાકે મોત થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી મૃતદેહ સીધો જ દહેગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જયાં પરિવારજનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તબીબ સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. બે કલાક સુધી મૃતદેહ એમ્બ્યુલન્સની અંદર જ મૂકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પીએમ રિપોર્ટમાં બેદરકારી સામે આવે તો ફરિયાદ દાખલ કરવાની બાહેંધરી આપ્યા બાદ મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવને લઇને દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.