ગાંધીનગરઃ ડીજીપી શિવાનંદ ઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો પાસે ઈ-ટિકિટ હશે તેઓએ પણ ફરજિયાત માસ્ક પહેરવાનું તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે પોલીસ વિભાગને સૂચનાઓ આપી દેવાઈ છે. વિદેશમાં ફસાયેલા નાગરિકોને ગુજરાત લાવવા માટેની શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવાયાં છે તેનું લોકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદેશથી પરત ફરેલા નાગરિકોને ક્વોરન્ટાઈન થવા માટે જે વિકલ્પો આપ્યાં છે એ મુજબ તેઓએ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરવાનો રહેશે. આ સંદર્ભે પોલીસ દ્વારા વોચ રાખીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વિદેશથી આવેલાઓને DGPની ચેતવણીઃ ક્વોરન્ટીન નિયમો પાળો, પોલિસ વૉચ રાખશે - પરદેશી પ્રવાસીઓ
રેલ મંત્રાલય દ્વારા કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર શ્રમિકો માટે વિશેષ ટ્રેન તથા અન્ય ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે ડીજીપી દ્વારા નાગરિકોને જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકિંગ દ્વારા કન્ફર્મ ઈ-ટિકિટ હશે તેમને જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે. રેલવે સ્ટેશન પર ટિકિટ બારીથી ટિકિટ મળશે નહીં અને રેલવે સ્ટેશન પર પણ પ્રવેશ મળશે નહીં.
આ લોકો જો ક્વોરન્ટાઈનનો ભંગ કરશે તો તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરાશે. એ જ રીતે વિદેશથી પરત આવેલા લોકોનો પણ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને પણ તેમને ન મળવા અપીલ કરી છે. વિદેશથી પરત આવેલા નાગરિકોના સંપર્કમાં આવવાથી સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા છે. તેથી નાગરિકોએ પણ ખાસ તકેદારી રાખવાની છે.
અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધના પાર્લરની આડમાં પાનમસાલાનું વેચાણ થતું પકડી પાડવામાં આવ્યું છે, એ જ રીતે રાજકોટમાં શાકભાજીનું પરિવહન કરતાં વાહનમાં તમાકુની હેરફેર કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનમાંથી ડુંગળીની બોરીઓની વચ્ચે દારૂની હેરાફેરી થતું હોવાનું જણાતાં રૂપિયા 1.92 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ અને વાહનને જપ્ત કરવામાં આવ્યા છે. વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ છેલ્લાં ચોવીસ કલાકમાં દાખલ થયાં છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી 201 ગુના નોંધાયાં છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 12,444 ગુના દાખલ કરીને 22,803 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 98 ગુના નોંધીને 100 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 3130 ગુના નોંધીને 4256 લોકોની ધરપકડ કરવામાં આવી છે.