ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0 નું બજેટ નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રજુ કર્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને 2538 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બજેટમાં શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરાઈ છે. આ ઉપરાંત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ:બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ITI ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે પણ 239 કરોડ ફાળવવામાં આવ્યા છે. અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે 155 કરોડની જોગવાઇ કરાઈ છે.
લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ:કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે 48 કરોડનું આયોજન કરાયું છે. વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે 36 કરોડની જોગવાઈ કરાઈ છે. GIDC વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે 25 કરોડની જોગવાઇ છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના:ગુજરાત સરકારનું વર્ષ 2022-23 ના બજેટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 85 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે "કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથેની રહેણાકની વ્યવસ્થા શ્રમિક પરિવાર માટે ખુશહાલી લાવશે." શ્રમિકોને 5 રૂપિયાના સામાન્ય દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારીને વધુને વધુ લોકોને લાભ આપવામાં આવશે.