દહેગામની શાસ્ત્રીનગર સોસાયટીના મકાન નં-26માં રહેતા રવિભાઈ ફુસાભાઈ રાઠોડ GEB માં બારેજા ખાતે નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેઓ દહેગામમાં પિતા, પત્ની, 3 પુત્ર અને 1 પુત્રવધુ સાથે રહે છે. મંગળવારે રાત્રે પરિવારના સભ્યો નીચેના રૂમમાં તાળુ મારી ઉપરના માળે સૂઈ રહ્યા હતા.
દહેગામમાં ચોરી કરવા આવેલા 4 તસ્કરમાંથી 1 પકડાયો ત્યારે મોડી રાત્રે તેમનો પુત્ર 25 વર્ષીય પ્રકાશ લઘુશંકા માટે ઉઠ્યો હતો, ત્યારે નીચે હલચલ જણાતા પ્રકાશે નીચે જોતા ઘર આગળ 3 બાઈક જોવા મળી હતી. પ્રકાશને જોઈ તસ્કરોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે 3 તસ્કરો એક બાઈક પર ભાગવાનો પ્રયત્ન કરતાં એક સમયે પડી ગયા હોવા છતાં તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
દહેગામમાં ચોરી કરવા આવેલા 4 તસ્કરમાંથી 1 પકડાયો બીજી તરફ બુમાબુમ થતા પરિવારના અન્ય સભ્યો જાગી જતા બાઈક પર ભાગવા જતા 4થા તસ્કરને ઝડપી લીધો હતો. બીજી તરફ મકાન માલિકે ઘરમાં આવીને જોયુ તો તિજોરીમાંથી 2 લાખની કિંમતના 8 તોલા સોનાના દાગીના રૂપિયા 20 હજાર અને ચાંદીના દાગીના તેમજ રુપિયા 90 હજારની રોકડા મળી કુલ 3.10 લાખની મત્તા ગુમ હતી. પકડાયેલા તસ્કર પાસેના કાપડના થેલામાંથી સળીયા તોડવાનું કટર, ડિસમીસ, 2 નંગ સોનાની વીંટી તેમજ 5 હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી. તસ્કરોએ મકાન માલિક રવિભાઈને લાફા માર્યા હતા. જયારે તેમના પુત્રને પગના ભાગે પાઈપ તથા મૂઢમાર મારીને એક બાઈક તથા ચોરીનો સામાન લઈ તસ્કરો 2 બાઈક મુકીને ભાગવામાં સફળ રહ્યા હતા.
જેની તપાસ કરતા બંને બાઈક રખિયાલ અને અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલા હોવાનુ સામે આવ્યુ હતું. બીજી તરફ શહેરની મધુવન સોસાયટીમાં રહેતાં ધનપાલસિંહ ધૂળસિંહના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી હાથફેરો કર્યો હતો. આ મકાનમાંથી અંદાજીત 25 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. ત્યારે આ ચોરી પાછળ પણ ચિખલીગર ગેંગના સભ્યો હોવાની પોલીસને શંકા છે.
ઝપાઝપી સમયે બાઈક પર ભાગવા જતા એક તસ્કર નીચે પડી ગયો હતો. જેને પગલે તેને માથા તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્ત તસ્કરને દહેગામ સરકારી દવાખાના બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઝડપાયેલો તસ્કર શેરસિંહ કાળુસિંહ ચિખલીગર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ હતુ.દહેગામ પોલીસે 4એ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી