ગાંધીનગર: ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની સી.આર.પાટીલની જાહેરાત થતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે હું ગુજરાત પ્રદેશનો પ્રમુખ બનીશ મને આ વિશે કંઈ જ ખબર નહોતી. ભાજપના મોવડી મંડળ દ્વારા અચાનક જ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પદ માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ અને જે રીતે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કામ કર્યું તેવી જ રીતે હું કામને આગળ વધારીશ.
સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની નવી જવાબદારી લઇ રહેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર અમારી જીત થશે. જ્યારે જીત બાબતે પાટીલે જણાવ્યું હતું કે જીત થશે, પરંતુ જીત માટે માટેની રણનીતિ ક્યારેય જાહેર કરવામાં આવતી નથી. આ ઉપરાંત જે રીતે ગુજરાતમાં હવે નોન-ગુજરાતી વ્યક્તિને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે, ત્યારે ગુજરાતી અને નોન ગુજરાતીઓ વચ્ચે ક્યાંકને ક્યાંક અણબનાવ પણ થશે કે નહીં તે બાબતે પાટીલે જણાવ્યું હતું કે મારો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. જ્યારે ગુજરાતમાં હું મોટો થયો છું. ચૂંટણી દરમિયાન લોકોએ મને પ્રેમ આપ્યો છે જેથી આવા પ્રશ્નો ઉદ્દભવ નહિ થાય.• કોન્સ્ટેબલથી સાંસદ સુધીની સફરએકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું નહીં. તે મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતાં. ત્યારબાદથી તેઓ સાંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતાં.