ગાંધીનગર : મહાપાલિકામાં 1 વર્ષ પહેલા તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટરના પતિ કમીશન ઉઘરાવવા બાબતેનો ઓડિયો વાયરલ થયો હતો. સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 10,000 લેવાની બાબતનો ઓડિયો વાયરલ થયો હતો, ત્યારે હાલમાં જ ગાંધીનગર ભાજપ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધીરુ ડોડીયાનો એક પાથરણાવાળા વેપારીને ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે.
ગાંધીનગર ભાજપના કોર્પોરેટરએ કહ્યું, હું ડોડીયા છું, મને ધમકી આપવાની નહીં, વીડિયો વાઇરલ - મને ધમકી આપવાની નહીં
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ચર્ચાઈ રહ્યું છે કે, નાના વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે. મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હપ્તા વસુલીને આ લારી ગલ્લા મુકવા દે છે. ત્યારે ગાંધીનગર મહાપાલિકાના ભાજપના કોર્પોરેટર દ્વારા એક નાના વેપારીને દબાણ હટાવવા માટે ધમકી આપતો એક વીડિયો વાયરલ થયો છે.
સમગ્ર સેક્ટર 24 દબાણમા ઉભુ જોવા મળી રહ્યુ છે, ત્યારે રાત્રિના સમયે ફૂટપાથ ઉપર વેપાર કરતા વેપારીને દબાણ દૂર કરવા કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તે સમયે સામે વેપારી પણ કહી રહ્યો છે કે, આગળ રહેલું દબાણ દૂર કરો, તે સમયે વ્યાપારી પણ સામે કહી રહ્યા છે કે, તમારી તાકાત હોય તો ભરાવી લેજો.
જ્યારે ભાજપના કોર્પોરેટર કહી રહ્યા છે કે, મને ધમકી આપવાની નહીં હું ડોડીયા છું. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં પાથરણાવાળા વેપારીઓ પાસેથી મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોય તેવી વર્ષોથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ વાયરલ થયેલો વીડિયો તેની સાક્ષી તો નથી પૂરતો ને?