- કોરોના વેક્સિન મુદ્દે સરકાર શરૂ કરશે ડોર 2 ડોર સર્વે
- સમગ્ર રાજ્યમાં 10 ડિસેમ્બરથી સર્વે શરુ કરવામાં આવશે
- પ્રથમ તબક્કે આરોગ્યકર્મીઓને વેક્સિન અપાશે
ગાંધીનગર:સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં છે, ત્યારે ભારત દેશ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીન હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. ત્યારે તેની વહેંચણી કઈ રીતે કરવી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વેક્સિન આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જેને લઇને 10 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ડોર 2 ડોર સર્વે હાથ ધરવામાં આવશે.
સમગ્ર જિલ્લા તંત્રને આપવામાં આવી સૂચના
મળતી માહિતી પ્રમાણે કોરોના વાઈરસના વેક્સિન માટે ઘરે-ઘરે જઈ સર્વે હાથ ધરવામાં આવશે. 10 ડિસેમ્બરથી શરૂ થતાં સર્વે અભિયાનમાં રાજ્ય સરકારે તમામ જિલ્લા તંત્રને સૂચનાઓ આપી છે. આ સૂચનાઓ પ્રમાણે ૫૦ વર્ષથી વધુ વ્યક્તિઓના ડેટા અલગથી તૈયાર કરવામાં આવશે. તેમજ 50 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને અન્ય ગંભીર પ્રકારની બીમારી હોય તેવા નાગરિકોના ડેટા પણ અલગથી તૈયાર કરવામાં આવશે. 50 વર્ષથી ઉપરના અને ગંભીર બિમારી ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપીને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.