ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટે કોવિડ-19ના સંદર્ભમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પરની પોતાની સુનાવણીમાં જે અવલોકનો કર્યા છે, તેમાં વિપક્ષની કરેલી આલોચના અંગે પ્રતિભાવો આપતા ગૃહ પ્રધાને જણાવ્યું કે, આ અવલોકનો એ દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત કરી આપ્યું છે. કાયદા રાજ્ય પ્રધાને જણાવ્યું કે, અદાલતે એમ સ્પષ્ટ પણે નોંધ્યું છે કે, રાજ્ય સરકારે જાહેર હિતમાં આ મુદ્દાને અતિ ગંભીરતાથી લીધો છે. હવે અવેરનેસ, સાવચેતી અને સક્રિય રહેવાની જરૂર છે. હાઈકોર્ટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી બિનજરૂરી ચર્ચાઓ અને ટિપ્પણીઓ બાબતે વ્યથા વ્યક્ત કરી છે.
પ્રદિપસિંહ જાડેજાએ હાઇકોર્ટે પી.આઇ.એલ સંદર્ભે કરેલા અવલોકન અંગે જણાવ્યું કે, પી.આઈ.એલ. રાજકીય લાભ મેળવવા માટે નથી. જાહેર હિતની અરજી કરીને ક્યારેય રાજકીય લડાઇ ન લડવી જોઈએ. આથી, કોઈપણ આ મુદ્દે રાજકારણ ન કરે તે જરૂરી છે. સરકારની માત્ર ટીકા કરવાથી કોવિડ-19ના લોકોનો કોઇ જાદુઈ ઇલાજ નહીં થાય, કે મૃત્યુ પામેલા લોકો જીવંત નહીં બની શકે. જાહેર હિતમાં સમયાંતરે પસાર થતા કોર્ટના આદેશ સંદર્ભે કોઈપણ ટિપ્પણી કરવા અથવા કોઈપણ ચર્ચામાં પ્રવેશતા પહેલા હવેથી કોર્ટે વિપક્ષ સહિત બધાને ખૂબ કાળજી રાખવાની વિનંતી કરી છે. એવા લોકો કે જેઓ આ મુશ્કેલ સમયમાં પોતાનો હાથ મદદ કરવા લંબાવી શકતા નથી અને લોકો માટે કંઈ પણ સારું કરી શકતા નથી. તેમને રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરવાનો કોઈ અધિકાર જ નથી.
ગૃહ પ્રધાને ઉમેર્યું કે, શાસકપક્ષની સરકારની ટીકા કરવા માત્રથી ચમત્કારિક રીતે કોવિડ-19ના દર્દીઓ સાજાં નહીં થઈ જાય અને તેનાથી મૃત્યુ પામેલા લોકો પણ પાછા જીવતા થવાના નથી. આ મહામારી લોકોના આરોગ્ય, સલામતી અને સુખાકારી માટે જોખમી છે અને આ કટોકટીથી કોઈને પણ લાભ નથી થઈ રહ્યો. આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી આ મહામારીએ વ્યાપક રીતે લોકોમાં જે પીડા અને દુઃખ પેદા કર્યા છે તે આખીવાતનું મહત્વ જ આપણે ઓછું કરી નાખીશું. લોકોના જીવ બચાવવા અને લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યની ઉપર રાજકારણ અને રાજકીય હિતોને ક્યારેય મૂકી શકાય નહીં.
પ્રદિપસિંહ જાડેજા વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, વિરોધીઓને ખોટી ટીકાઓ પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી કરી શકવાની, પરંતુ રચનાત્મક ટીકાઓ ચોક્કસપણ મદદ કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા મહામારીની આ પરિસ્થિતિને સંભાળવાની પદ્ધતિઓમાં ફક્ત ત્રુટિઓ અને ખામીઓ શોધીશોધીને તેને હાઇલાઇટ કર્યા કરવાથી લોકોના મનમાં ડર પેદા થાય છે. જ્યારે લોકોના જીવનું જોખમ રહેલું હોય તેવી પરિસ્થિતિમાં લોકોને રાજકીય વિચારધારાઓ અને રાજકીય દુશ્મનાવટની બહુ પડી નથી હોતી.
કોરોના મહામારી બાબતે વાત કરતા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ મહામારી તમામ માટે જોખમરૂપ છે, અને ડરામણી છે અને આ પરિસ્થિતિમાં લોકો સરકાર અને વિપક્ષ વચ્ચે સહયોગ જોવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે, આ પરિસ્થિતિમાં તેમના નેતાઓ એકસાથે થાય અને સાથે મળીને તેનો સામનો કરે. અત્યાર સુધીમાં મોટાભાગના લોકશાહી દેશો કે જે આ મહામારીનો સામનો કરવામાં સફળ રહ્યા છે, તે બધામાં એક વાત સર્વ સામાન્ય છે. તે છે ત્યાંના તમામ રાજકીય પક્ષો વચ્ચે સહકારની ભાવના. આ તમામ રાજકીય પક્ષો એકજૂટ થઈને અજાણ્યા દુશ્મન સામે લડ્યા છે, જે છે કોરોના વાઇરસ. આ જ પ્રકારનો સહયોગ, સમજદારી અને રચનાત્મક ટીકાઓ ગુજરાત રાજ્યમાં આ મહામારી સામે લડવા માટેનું એક મજબૂત હથિયાર બની શકે છે. અમે તમામને વિનંતી કરીએ છીએ કે, હવે પછી વખતોવખત જનહિત માટે પસાર કરવામાં આવતા કોર્ટના આદેશો અંગે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા કે કોઈપણ ચર્ચામાં ઉતરતા પહેલા ખૂબ કાળજી રાખશો.