ગાંધીનગર : કેન્દ્રીય જીએસટી કાઉન્સિલ દ્વારા 1 મેના રોજ જીએસટીનો માલ અને વેરા સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે તેની અસરના ભાગરૂપે ગુજરાત સરકારે આજે વિધાનસભા ગૃહમાં જીએસટી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જેમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ જીએસટી સુધારા બિલનો વિરોધ કર્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસ દેશમાં વન ઇલેક્શન બાબતે સપોર્ટ આપશે, પરંતુ વન નેશન વન જુગારમાં કોઈ સપોર્ટ નહીં આપે તેવા નિવેદન સાથે સુધારા બિલનો વિરોધ કર્યો હતો. અંતે બહુમતીના જોરે બિલ પસાર કરવામાં આવ્યું હતું.
સરકારે બુકીનો ધંધો શરૂ કર્યો : કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ બિલ પર ચર્ચા કરતા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક શહેરના બુકીઓ એવા છે, જે આખા દેશમાં જૂગાડ રમાડે છે અને પછી વિદેશમાં ભાગી જવું પડે છે. આ બિલ બાદ આવ્યા બુકીઓ છૂટથી જુગાર રમાડશે. જેથી ઓનલાઇન ગેમિંગની તમામ એપ પ્રતિંબધ મુકવો જોઈએ. હવે સરકારે બુકીનો ધંધો શરૂ કર્યો છે અને જુગાર કાયદેસર કર્યો છે. સટ્ટાને લઈને રાજ્ય સરકાર હંમેશા વિરોધમાં હતાં. પરંતુ હવે વિદેશની લોટરી, જુગાર ગુજરાતમાં બેસીને જ રમી શકાશે.
ઘરને બરબાદ કરનારા આ રોગ : આ બિલને લઇ ગુજરાત સરકાર જુગાર શરૂ કરાવવા જઈ રહી હોવાના આક્ષેપ અર્જુન મોઢવાડીયાએ કર્યા હતાં. ઉપરાંત ઓનલાઈન કે ઓફલાઈન જુગારમાં કોઈ જીતતું નથી, માત્ર બુકીઓ જ જીતે છે. ઘરને બરબાદ કરનારા આ રોગને માન્યતા ન આપવી જોઈએ. જો કે સરકાર જુગાર શરૂ કરાવવા જઈ રહી છે એ શબ્દો અધ્યક્ષે રેકર્ડ પરથી દૂર કરાવ્યા હતાં.
રાજ્યમાં ગામેગામ જુગાર ચાલુ: જીએસટી બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. જેમાં પરમારે નિવેદન આપ્યું હતું કે ગુજરાત ના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં ક્યાય કેસીનો નથી, પરંતુ ગામે ગામ જુગાર રમાય છે, તેમ છતાં પણ સરકાર કેસીનો માટેનું બિલ લાવ્યું છે. કલમ 26માં લખ્યું છે કે લોટરી, સટ્ટા, જુગાર શબ્દનો બિલમાં અલગ ઉપયોગ કર્યો છે. કેસીનો એક પ્રકારનો જુગાર છે જે ઓનલાઈન રમાશે. જ્યારે રાજ્યમાં ખુલ્લેઆમ જુગાર રમે તો કલમ 12નો ઉપયોગ થાય છે. જ્યારે ઘરમાં કે બંધબારણે જુગાર રમે તો કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી થાય છે.
યુવા પેઢીને મોટાપાયે નુક્સાન : શૈલેષ પરમારે સરકાર પર આક્ષેપ કરતાં ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યના નાણાંપ્રધાન તરીકે ઓનલાઈન ગેમ મારફતે નાણાં ઊઘરાવશો કે ગૃહપ્રધાન તરીકે આરોપીને પકડશો તથા કાયદાપ્રધાન તરીકે કોર્ટમાં રજૂ કરશો ? આ બિલનું નામ વન નેશન વન જુગાર બિલ હોવું જોઈએ. કોંગ્રેસ આ બિલનો સખત વિરોધ કરે છે. આ બિલ આવવાથી ગુજરાતની યુવા પેઢીને મોટાપાયે નુક્સાન છે.
અધ્યક્ષની શૈલેષ પરમારને ટકોર : આ સમયે અધ્યક્ષપદે બેઠેલા જેઠા ભરવાડે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને ટકોર કરી હતી કે તમે સ્ટ્રેસમાં ન રહો એટલે આ બિલ લાવ્યા છે. જેના જવાબમાં શૈલેષ પરમારે કહ્યું કે અમે 17 જ લોકો છીઓ. ગેમ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, અમને પ્રજાના પ્રશ્નો માટેની ચિંતા રહે છે. આ સમયે નાણાંપ્રધાન કનુ દેસાઈએ બિલ પર ખુલાસો કર્યો હતો, જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ બિલ પસાર થયા પછી પણ ગુજરાત જુગાર પ્રતિબંધિત રહેશે.
ઓનલાઇન ગેમ કંપનીઓ પર કન્ટ્રોલ થશે : મનીષા વકીલભાજપના ધારાસભ્ય મનીષા વકીલે બિલ બાબતે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે જીએસટી સુધારા બિલને કારણે ઓનલાઈન પ્લેટફોર્મરને સપ્લાયર ગણાશે. ઓનલાઈન ગેમની કંપનીઓ પર કંટ્રોલ આવશે. હાલમાં ઓનલાઈન ગેમથી લત લાગતી હોય છે. બાળકોને આદત પડી જાય છે. એક આંકડા પ્રમાણે દિવસના 8 કલાક જેટલો સમય બાળકો ગેમ પર સમય વિતાવે છે. બાળકો અને યુવાધનની ચિંતા કરી છે એટલે જ તેની પર 28 ટકા ટેક્સ લગાવ્યો છે.
અમારો પગાર લઈ લો, પણ જુગારને મંજૂરી ના આપો : બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બિલ બાબતે ગૃહમાં નિવેદન આપતાં જણાવ્યું કે મારું પોતાનું અને પાર્ટીનું પણ સમર્થન જરૂરી છે. એટલે સમર્થન સાથે કહું છું કે જો સરકાર ચલાવવા નાણાંની વધારે જરૂર ઊભી થતી હોય તો અમારા જેવા ધારાસભ્યોના પગાર કાપી લો પણ આવું બિલ ન લાવવું જોઈએ. આવું દૂષણ ગુજરાતમાં ન આવે તે અત્યંત જરૂરી છે.
36મી કળા તરીકે જુગાર : સી. જે. ચાવડા સી.જે. ચાવડાએ બિલ બાબતે ભૂતકાળનો ઉલ્લેખ કર્યો હતોકે દ્વારકાના નાથ કૃષ્ણનું ગુજરાત છે. ઉપરાંત મહાભારતકાળમાં 36મી કળા તરીકે જુગાર આવડે છે કે નહી તે માટે રાજાને જુગાર રમાડવામાં આવતો હતો. જ્યારે પણ જુગાર રમાતો હોય ત્યારે મામા શકુનિ હોય જ. મહાભારતમાં જુગાર રમતમાં દ્રૌપદીનું ચીરહરણ થયું હતું. જો કે એ વખતે તો કૃષ્ણ હતાં પરંતુ અત્યારે કોણ છે? જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણાંપ્રધાન જાય ત્યારે તેમણે ગુજરાતનો અવાજ રજૂ કરવો જોઈએ. ગુજરાતમાં કયા પક્ષની બેઠક કેટલી છે એ મહત્વનું નથી. ભલે તમારી 156 બેઠક અમારી 17 બેઠક હોય, આ 17 બેઠક પણ તમે લઈ જાઓ, પરંતુ આ પ્રકારનું બિલ ન લાવો તેવું નિવેદન ગૃહમાં કર્યું હતું.
બિલ પસાર થાય તો પણ જુગારની પરવાનગી મળશે નહીં : કનુ દેસાઈકોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બિલમાં ચર્ચા કર્યા બાદ વિધાનસભા રાજ્ય સરકારના નાણાંપ્રધાન કનુ દેસાઈએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે દેશમાં 44 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમે છે. 31-8-23 સુધી રાજ્યમાં 11,54,585 લોકોએ ટેક્સ પેયર્સ છે. જેમાંથી 93961 લોકો ટેક્સ ભરે છે જેમાં હવે 27,700 લોકોનો પણ વધારો થયો છે. જીએસટીના સમયસર અમલવારી ન થવા પાછળ ભાજપ નહી પણ કોગ્રેસ જવાબદાર છે. કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટીમાં 14 ટકાનો વધારો આપ્યો છે. ગુજરાતને 5 વર્ષમાં GST અંતર્ગત 80 હજાર કરોડની આવક થઇ છે. ગુજરાતમાં 1982ના વર્ષમાં કોગ્રેસના શાસનમાં લોટરી અમલમાં હતી. જીએસટી બિલમાં સુધારાથી કોઇ પણ પ્રવૃતિને શરુ કરવાનું લાયસન્સ મળતુ નથી. ઓનલાઇન ગેમ પર 28 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.
બિલમાં સુધારો કેમ કરવો પડ્યો? :ઓનલાઇન ગેમિંગ અથવા તો ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર ગેમ પૂરી પાડવી અને તેમાં ઓનલાઈન ગેમિંગનો સમાવેશ થાય છે તેમાં પણ જીએસટી લાગુ કરવાનો નિર્ણય કેન્દ્રીય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની જીએસટી કાઉન્સિલ દ્વારા 50મી અને 51મી બેઠકમાં આ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત સરકારે લોટરી, બેટીંગ અને ગેમ્બલિંગ શબ્દોને દૂર કરીને તેની જગ્યાએ સ્પેસિફાઈડ ઓક્શનેબલ ક્લેઈમનો શબ્દ પ્રયોગ કરવામાં આવશે. વિદેશમાંથી ભારત દેશના લોકોને ઓનલાઈન મની ગેમિંગનો સપ્લાય કરનાર વ્યક્તિએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ પણ સુધારા બિલમાં રાખવામાં આવી છે.
- Gujarat Assembly : વિધાનસભા સત્રમાં કાયદા-વ્યવસ્થા પર જામી ચર્ચા, પ્રતિ 30 દિવસે 45 મહિલાઓ પર બળાત્કારના કેસ
- President Draupadi Murmuji : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન 'NeVA'નું ઉદ્ઘાટન કર્યુ
- Gujarat Congress: અમિત ચાવડાએ રાષ્ટ્રપતિની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવાની જાહેરમાં ના પાડી