ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગનો ડર, કોંગ્રેસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા ભલામણ કરી - ANKIT BAROT
ગાંધીનગર: મહાપાલિકામાં વોર્ડ નંબર 3માં ખાલી પડેલી બેઠકને લઈને 21 જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણી પૂર્વે ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બૂથ કેપ્ચરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર અપહરણના આરોપી છે, ત્યારે તે મતદાનના દિવસે ભાંગફોડ કરે તેવી શંકા વ્યક્ત કરી હતી. જેને લઇને આજે શુક્રવારે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. મતદાનના દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
ગાંધીનગર મહાપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મેયર બનેલા પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધા બાદ વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી શહેરના મહામંત્રી મિતુલ જોષીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ભાજપમાંથી પ્રણવ પટેલની પસંદગી કરાઈ છે. જેને લઇને કોંગ્રેસ ડર અનુભવી રહી છે. પરિણામે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડોક્ટર સી.જે.ચાવડા મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, જોન પ્રમુખ રાજેન્દ્રસિંહ ચાવડા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાને મળીને રજૂઆત કરી હતી.